14 માળની બિલ્ડિંગમાં ભભૂકી ઉઠી ભયાનક આગ. મહિલાએ જીવ બચાવવા કૂદકો મારતી જોવા મળી, 16 લોકોના થયા મોત, જુઓ વીડિયો

ચીનમાં મોટી દુર્ઘટના, શિપિંગ મોલમાં આગ લાગવાથી 16 લોકોના મોત, ઘણા લાપતા

China Shopping Mall Fire : ચીનના દક્ષિણ-પશ્ચિમ સિચુઆન પ્રાંતના ઝિગોંગ શહેરમાં બુધવારે એક શોપિંગ સેન્ટરમાં લાગેલી ભીષણ આગમાં 16 લોકોના મોત થયા છે. ચીનના સરકારી મીડિયાએ આ માહિતી આપી છે. 14 માળની કોમર્શિયલ બિલ્ડીંગમાં સાંજે 6 વાગ્યે અચાનક આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકો પોતાનો જીવ બચાવવા બાલ્કનીમાં ઉભા જોવા મળ્યા હતા. આગની માહિતી મળતાં જ ફાયર વિભાગના 300થી વધુ ઇમરજન્સી કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

સિન્હુઆ ન્યૂઝ અનુસાર રેસ્ક્યુ દરમિયાન 75 લોકોને આગમાંથી બચાવી લેવાયા છે. બચાવ કાર્ય ચાલુ છે. ચીનની સરકારી ચેનલ સીસીટીવીએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસ અનુસાર, આગની ઘટના બિલ્ડિંગમાં ચાલી રહેલા બાંધકામના કારણે બની હતી. આગનું કારણ અને ઘટના સમયે બિલ્ડિંગમાં કેટલા લોકો હાજર હતા તે તાત્કાલિક જાણી શકાયું નથી. આ બિલ્ડિંગમાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર, ઑફિસ, રેસ્ટોરન્ટ અને મૂવી થિયેટર છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાની વિડિયો પોસ્ટમાં, બિલ્ડિંગના નીચેના માળની બારીમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળી રહ્યા હતા, જે ગાઢ કાળા વાદળનું રૂપ ધારણ કરીને 14 માળની ઇમારતને ઘેરી વળ્યા હતા. જ્વાળાઓ ખૂબ મોટી દેખાતી હતી. સ્થાનિક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે અગ્નિશામકોએ પણ અનેક ડ્રોનનો ઉપયોગ કર્યો હતો. ચીનના કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે ગુરુવારે એક નિવેદનમાં બચાવ કાર્યકર્તાઓ અને પ્રાંતીય અધિકારીઓને આગનું કારણ ઝડપથી નક્કી કરવા જણાવ્યું હતું જેથી ભવિષ્યમાં સલામતીની સાવચેતીઓ લાગુ કરી શકાય.

ચીનમાં મોટી અને કોમર્શિયલ ઈમારતોમાં આગ લાગવાની ઘટનાઓ નવી નથી. આ વર્ષે જાન્યુઆરીમાં દક્ષિણ-પૂર્વ ચીનમાં એક બિલ્ડિંગમાં લાગેલી આગમાં 39 લોકોના મોત થયા હતા. આના થોડા દિવસો પહેલા બોર્ડિંગ સ્કૂલમાં લાગેલી આગમાં 16 બાળકોના મોત થયા હતા. સમાચાર એજન્સી એપીએ નેશનલ ફાયર એન્ડ રેસ્ક્યુ એડમિનિસ્ટ્રેશનના પ્રવક્તા લી વાનફેંગને ટાંકીને કહ્યું કે ચીનમાં આગની ઘટનાઓ એક સમસ્યા બની રહી છે.

Niraj Patel