નામિબિયાથી ભારતમાં લાવતી વખતે કંઈક આવો હતો પ્લેનની અંદરનો નજારો, વીડિયો થઇ રહ્યો છે વાયરલ

લગભગ 7 દાયકા બાદ ભારતમાં ચિત્તાની એન્ટ્રી થઇ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે 70 વર્ષ બાદ ભારતમાંથી લુપ્ત થયેલ ચિત્તાને નામિબિયાથી લાવવામાં આવ્યા હતા. નામિબિયાથી આઠ ચિત્તા ભારતમાં આવ્યા છે. જેમાં પાંચ માદા અને ત્રણ નર છે. તેમની ઉંમર ચારથી છ વર્ષની છે. બોઇંગ 747 દ્વારા ચિત્તાને ભારતમાં લાવવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં પ્લેનની અંદર ચિત્તાઓ પિંજરામાં જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થયેલો એક વીડિયો બોઇંગ 747ની અંદરનો ભાગ દર્શાવે છે. જેમાં પ્લેનના એક ભાગમાં ચાર બોક્સ રાખવામાં આવ્યા છે જેમાં ચિત્તા છે. પ્લેન ભારતમાં લેન્ડ થાય તેની થોડી જ ક્ષણો પહેલા તેનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ચિત્તા ભારતમાં ખુલ્લા જંગલો અને ઘાસના મેદાનોની ઇકોસિસ્ટમને પુનઃસ્થાપિત કરવામાં મદદ કરશે.

નામીબિયાથી ભારત લાવવામાં આવેલા ચિત્તાને વડા પ્રધાન મોદીએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં બોક્સ ખોલી ત્રણ ચિત્તાઓને ક્વોરેન્ટાઇન એન્ક્લોઝરમાં છોડી દીધા હતા. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં સાત દાયકા પહેલા લુપ્ત થયા બાદ ચિત્તાને ફરીથી રજૂ કરવામાં આવ્યા છે, પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ તરફ કામ કરવાનો અમારો પ્રયાસ છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુનો રાષ્ટ્રીય ઉદ્યાનમાં નામિબિયામાંથી ચિત્તાઓને મુક્ત કર્યા પછી રાષ્ટ્રને સંબોધિત કર્યું. તેમણે કહ્યું, જૈવવિવિધતાની વર્ષો જૂની કડી જે દાયકાઓ પહેલા તૂટી ગઈ હતી, આજે આપણને તેને ફરીથી જોડવાની તક મળી છે. આજે ચિત્તા ભારતની ધરતી પર પાછા ફર્યા છે. આ ચિતાઓની સાથે ભારતની પ્રકૃતિપ્રેમી ચેતના પણ પુરી તાકાતથી જાગી છે.

પીએમએ કહ્યું કે હું આપણા મિત્ર દેશ નામીબિયા અને ત્યાંની સરકારનો પણ આભાર માનું છું, જેમના સહયોગથી ચિત્તાઓ દાયકાઓ પછી ભારતની ધરતી પર પાછા ફર્યા છે. તેમણે કહ્યું કે તે દુર્ભાગ્યપૂર્ણ છે કે અમે 1952માં દેશમાંથી ચિત્તાઓને લુપ્ત જાહેર કરી દીધા હતા, પરંતુ દાયકાઓ સુધી તેમના પુનર્વસન માટે કોઈ અર્થપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યા ન હતા. આજે આઝાદીના અમૃતમાં હવે દેશ નવી ઉર્જા સાથે ચિતાઓનું પુનર્વસન કરવા લાગ્યું છે.

Niraj Patel