ગુજરાતના નામી હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે થઇ છેતરપીંડી, યુટ્યુબ ઉપર વીડિયો અપલોડ કરી ઠગ પૈસા ચાઉં કરી ગયો

આજકાલ સોશિયલ મીડિયા દ્વારા ઠગાઈના ઘણા કિસ્સાઓ સામે આવે છે, હાલ મળતી ખબર પ્રમાણે ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડ સાથે પણ રાજકોટમાં છેતરપીંડી થઇ હોવાનો કિસ્સો સામે આવી રહ્યો છે, શાહબુદ્દિની મંજૂરી લઇ અને એક યુવકે તેમના નામે યુટ્યુબ ચેનલ બનાવી તેમના હાસ્યના વીડિયો પોસ્ટ કર્યા હતા. જેના બાદમાં મળેલી રોયલ્ટીની રકમ તે યુવક ચાઉં કરી ગયો હોવાની ફરિયાદ સીઆઇડીની સાઇબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ફરિયાદ શાહબુદ્દીન રાઠોડના દીકરા અફઝલ રાઠોડે નોંધાવી છે. જેમાં રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કાંતિલાલ કક્ક્ડ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે. અફઝલની ફરિયાદ આધારે રિતેશે શાહબુદ્દીનના 110 વીડિયો અપલોડ કરી અને આવક રળી લીધી હોવાનું જણાવ્યું છે.

ફરિયાદના આધારે જાણવા મળ્યું કે રાજકોટના ચેનલ ઓપરેટર રિતેશ કક્કડે 2019માં તેમનો સંપર્ક કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા પર અલગ અલગ પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરે છે.

તેણે શાહબુદ્દીન રાઠોડને તેમના પ્રોગામના વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરવા 20 ટકા સર્વિસ ચાર્જ લઈ તેમની ચેનલનું સંચાલન કરવાનું કહ્યું હતું, આથી શાહબુદ્દીનભાઈએ તેમને સંમતિ આપી હતી. જેના બાદ શાહબુદ્દીન રાઠોડના 83માં જન્મ દિવસે “શાહબુદ્દીન રાઠોડ ઓફિશિયલ” નામની યુટ્યુબ ચેનલ ચાલુ કરી હતી, જેને દર્શકોનો ખુબ જ મોટો પ્રતિસાદ પણ મળવા લાગ્યો.

પરંતુ ચેનલની આટલી લોકપ્રિયતા હોવા છતાં પણ તેમના ખાતામાં એક પણ રૂપિયો ના આવતા રિતેશને રજુઆત કરવામાં આવી હતી, જેના બાદ તેને થોડા થોડા પૈસા આપવાનું શરૂ કર્યું. અત્યારસુધીમાં તેણે અલગ અલગ સમયે મળી કુલ રૂ. 1,51,100 જેટલી રકમના જ ચેક આપ્યા હતા, જે બેંકમાં જમા કરાવ્યા હતા. રિતેશે ચેનલનો બધો જ પાવર પોતાની પાસે રાખ્યો હતો. જેના કારણે યુટ્યુબ ઉપર અપલોડ કરેલા વીડિયોની કેટલી આવક થાય છે તેની શાહબુદ્દીન રાઠોડ અને તેમના પરિવારને કોઈ જાણ થતી નહોતી.

 

Niraj Patel