22-year-old man suffered a heart attack in Anand : ગુજરાતમાં છેલ્લા ઘણા ઘણા સમયથી હાર્ટ એટેકના મામલાઓમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે, તેમાં પણ ખાસ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યું છે, ત્યારે હાલ વિષય ખુબ જ ચિંતા ભરેલો બન્યો છે, એવામાં રોજ કોઈને કોઈ યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવતું રહે છે. થોડા દિવસ પહેલા જ રાજકોટમાં એક એન્જીયરીંગના વિદ્યાર્થીને પણ કોલેજમાં જ હાર્ટ એટેક આવતા મોત થયું હતું, ત્યારે હાલ વધુ એક 22 વર્ષના યુવાને પણ હાર્ટ એટેકથી પોતાનો જીવ ગુમાવ્યો છે.
આ ઘટના સામે આવી છે આણંદ જિલ્લામાં આવેલા ઓડ ગામમાંથી. જ્યાં રહેતો 22 વર્ષીય જીલ ભટ્ટ ગત બુધવારના રોજ સવારે 8 વાગે રાબેતા મુજબ ઉઠીને બાથરૂમમાં ગયો હતો, ઘણા લાંબા સમય સુધી તે બાથરૂમની બહાર ના આવવાના કારણે તેના પરિવારજનોને પણ કંઈક અજુક્તું થયું હોય તેવું લાગ્યું. તેમને બાથરૂમનો દરવાજો ખખડાવ્યો પરંતુ અંદરથી કોઈ જવાબ ના આવ્યો. તેમણે જીલને બૂમો પાડીને બોલાવ્યો પરંતુ અંદરથી કોઈ બોલ્યું નહીં.
જેના બાદ પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો, ત્યારે બાથરૂમમાં જીલને બેભાન અવસ્થામાં જોઈને સૌની આંખો ચાર થઇ ગઈ, પરિવાર તેને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈને દોડી ગયો, પરંતુ ત્યાં તબીબે તેને મૃત જાહેર કરતા જ પરિવાર માઠહે દુઃખોનું આભ તૂટી પડ્યું હતું. જીલનું મોત હાલ હાર્ટ એટેકના કારણે થયું હોવાનું સામે આવી રહ્યું છે. જીલના નિધનબાદ તેના પરિવારજનો પણ આઘાતમાં સરી પડ્યા છે.
જીલ તેના પરિવારનું એકમાત્ર સંતાન હતો. તે પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ નડિયાદમાં આવેલી એક મોબાઈલનું દુકાનમાં મોબાઈલ રીપેરીંગનું કામ કરતો હતો. તેના પિતા ચંદ્રકાંતભાઈ ટીવી રીપેરીંગનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે દીકરાના મોત બાદ આખો પરિવાર આઘાતમાં છે. આમ ગુજરાતમાંથી વધુ એક યુવાનનું હાર્ટ એટેકના કારણે મોત થતા ચકચારી મચી ગઈ છે.