હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં 7 દિવસ સુધી મોત સામે જંગ લડ્યા બાદ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે તોડ્યો દમ, જાણો પરિવારમાં કોણ કોણ છે…

તમિલનાડુના કુન્નૂરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનાના 7 દિવસ બાદ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું નિધન થઇ ગયુ છે. ડોક્ટર્સના ઘણા પ્રયાસો બાદ પણ તેમની હાલતમાં સુધારો ન આવ્યો અને બેંગલુરુના હોસ્પિટલમાં આજે બુધવારના રોજ તેમણે દમ તોડી દીધો. ઇન્ડિયન એરફોર્સે આ સંબંધે ટ્વીટ કરી જાણકારી આપી. એરફોર્સે કહ્યુ કે, ગ્રુપ કેપ્ટન વરુણ સિંહે ગંભીર ઇજાને કારણે દમ તોડી દીધો. તમને જણાવી દઇએ કે, 8 ડિસેમ્બરના રોજ હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં ઘાયલ થયા બાદ પહેલા તેમને વેલિંગટનના આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તે બાદ તેમની ગંભીર હાલત જોઇ તેમને બેંગલુરુ શિફ્ટ કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત 13 જવાનોની મોત થઇ હતી.

વીરતા પુરસ્કાર વિજેતા ગ્રુપ કેપ્ટન વરુણ સિંહ લશ્કરી પરિવારમાંથી આવતા હતા. તેમનો પરિવાર ત્રણેય દળો – જલ (નેવી), થલ (આર્મી) અને એરફોર્સ સાથે સંકળાયેલો છે. ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના પિતા, નિવૃત્ત કર્નલ કેપી સિંહ આર્મી એર ડિફેન્સ રેજિમેન્ટમાં હતા અને તેમની પત્ની સાથે મધ્યપ્રદેશના ભોપાલમાં રહે છે. કર્નલ કેપી સિંહના બીજા પુત્ર લેફ્ટનન્ટ કમાન્ડર તનુજ સિંહ ભારતીય નૌકાદળમાં છે. વરુણનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશના દેવરિયાનો છે. પરિવારના અન્ય સભ્યો ત્યાં રહે છે. આ ઘટનાની માહિતી મળતાં જ ગ્રુપ કેપ્ટન વરુણનો નાનો ભાઈ તનુજ તેની માતા ઉમા સિંહ સાથે વેલિંગ્ટનની હોસ્પિટલ પહોંચ્યો હતો.

વરુણને આ વર્ષે સ્વતંત્રતા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા શૌર્ય ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો. ફ્લાઈંગ કંટ્રોલ સિસ્ટમ ક્ષતિગ્રસ્ત થયા પછી પણ 10 હજાર ફૂટની ઊંચાઈથી તેજસ વિમાનના સફળ લેન્ડિંગ માટે તેમને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો. દુર્ઘટના સમયે વરુણે ધીરજ ન ગુમાવી અને વિમાનને વસ્તીથી દૂર લઈ જઈને તેનું સફળ લેન્ડિંગ કરાવ્યું. આ ઘટના બાદ વરુણના પિતા કર્નલ કેપી સિંહે કહ્યું હતું કે મારો પુત્ર ઘણો બહાદુર છે. તે જાણે છે કે કેવી રીતે લડવું અને પરિસ્થિતિઓનો સામનો કરવો.

આપને જણાવી દઈએ કે આ અકસ્માતના થોડા દિવસો પહેલા વરુણના પિતા કેપી સિંહ નાના પુત્ર તનુજ સિંહની પુત્રીના જન્મદિવસમાં હાજરી આપવા માટે મુંબઈ ગયા હતા. ત્યાં તેમને અકસ્માતની માહિતી મળી હતી. અહીં ભોપાલમાં વરુણના પિતાના પડોશમાં રહેતા લોકોએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. આ લોકોએ કહ્યું કે અમે બધા વરુણના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છીએ.

વરુણના પિતા કેપી સિંહ ભોપાલના કોર્પ્સ 24માંથી નિવૃત્ત થયા બાદ અહીં સ્થાયી થયા હતા. તેઓ ભોપાલ એરપોર્ટની સનસિટી કોલોનીમાં ઈનરકોર્ટ એપાર્ટમેન્ટના પાંચમા માળે રહે છે. સિંહના પાડોશી અને લેફ્ટનન્ટ કર્નલ ઈશાન આરએ જણાવ્યું કે વરુણ ત્રણ અઠવાડિયા પહેલા ભોપાલ આવ્યો હતો અને 10 દિવસ સુધી અહીં રહ્યો હતો. વરુણ ભોપાલમાં પડોશમાં રહેતા તમામ લોકોને મળ્યો હતો. વરુણ ખૂબ જ મિલનસાર સ્વભાવનો હતો. વરુણ સિંહના પરિવારમાં પત્ની ગીતાંજલિ અને પુત્ર રિદ રમન, પુત્રી આરાધ્યા છે. સીડીએસ બિપિન રાવતને રિસીવ કરવા માટે તેમને પ્રોટોકોલ ઓફિસર બનાવવામાં આવ્યા છે.

ગ્રુપ કેપ્ટન વરુણ સિંહના બે બાળકો છે, દીકરાનું નામ રિદ રિમન અને દીકરીનું નામ આરાધ્યા છે. તેમની પત્નીનું નામ ગીતાંજલિ સિંહ છે. વરુણ સિંહનો બાળકો સાથેનો સમય વીતાવતો ફોટો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. વરુણ સિંહ અભિનંદન વર્ધમાનના બેચમેટ હતા. અભિનંદન વર્ધમાને જ 27 ફેબ્રુઆરી 2019ના રોજ ભારતની સીમામાં ઘૂસેલા પાકિસ્તાની વિમાનોને ખદેડ્યુ હતુ.

Shah Jina