નવસારી : એક્ટિવા લઇને પસાર થઇ રહી હતી મહિલા કે અચાનક દોડતુ દોડતુ આવી ગયુ વાછરડુ પછી જે થયુ તે ખરેખર…જુઓ વીડિયો

રખડતા ઢોરથી સાવધાન થઇ જજો: નવસારીમાં વાછરડાએ અચાનક જ યુવતીને અડફેટે લીધી, વીડિયો આવી ગયો સામે

ગુજરાતમાંથી ઘણીવાર રખડતા ઢોરના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર રખડતા ઢોરને કારણે કોઇને જીવ ગુમાવવાનો વારો આવે છે, તો ઘણીવાર રખડતા ઢોર કોઇ રાહગીરને અડફેટે લેતા હોય છે. હાલમાં નવસારીમાંથી એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કબીલપોર વિસ્તારમાં આવેલ વસંતવિહાર સોસાયટીમાંથી એક મહિલા એક્ટિવા લઇ પસાર થતી હતી ત્યારે જ અચાનક ગલીમાંથી દોડતા વાછરડાએ મહિલાને અડફેટે લીધી,જેને કારણે મહિલા નીચે પટકાઇ હતી.

આ સમગ્ર ઘટના સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જોકે, સદનસીબે આ મહિલાને માથામાં કે શરીર પર ગંભીર ઇજા થઈ નહોતી. ઘટનાની વિગત જોઇએ તો, સવારે 8 વાગ્યે વસંતવિહારમાં રહેતી મોનાલી દેસાઈ દૂધ લેવા ગઇ ત્યારે પરત ફરતી વેળાએ દોડતા વાછરડાની ટક્કર એક્ટિવા સાથે થઈ. જેને કારણે તે રોડ પર પટકાઇ. જોકે, સદનસીબે તેને સામાન્ય ઈજાઓ જ થઈ હતી. પરંતુ આ ઘટનાને કારણે જાનહાનિ પણ થઇ શકતી હતી.

અકસ્માતની ઘટનાને પગલે મહિલાના પરિવારે ગ્રામ્ય પોલીસમાં કેસ દાખલ કરવા માટે અરજી આપી છે. જેમાં પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, ઢોર માલિક અને સંબંધિત પાલિકાના ચેરમેન વિરુદ્ધ ગુનો દાખલ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જણાવી દઇએ કે, નવસારીમાં રખડતા ઢોરોના ત્રાસને કારણે આમ શહેરીજનનું જીવન દુષ્કર થઈ પડ્યું છે.

ઘણીવાર રોડ પરથી પસાર થતી વેળાએ રાહદારીઓ સાથે પણ અવારનવાર રખડતા ઢોરનો અકસ્માત થાય છે. જો કે, આને કારણે ભૂતકાળમાં 3 જેટલા લોકોના મોત પણ થઇ ચૂકયા છે.પરંતુ તેમ છત્તાં આનો કોઇ ઉકેલ આવ્યો નથી.

Shah Jina