ઔરંગઝેબનો સીન આવતા જ…સિનેમા હોલમાં એવું થયુ, વિક્કી કૌશલની ‘છાવા’ ફિલ્મ જોવા ગયેલ જયેશ થયો અરેસ્ટ- જાણો કારણ
છાવા ફિલ્મ જોવા ગયેલ શખ્સે ગુસ્સામાં થિયેટરમાં કરી એવી હરકત કે…જેલ પાછળ પહોંચ્યો
વિકી કૌશલ-રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ ‘છાવા’ સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતના ભરૂચમાં ‘છાવા’ના સ્ક્રીનિંગ દરમિયાન અંધાધૂંધી ત્યારે મચી ગઈ જ્યારે એક વ્યક્તિએ મલ્ટિપ્લેક્સના સિલ્વર સ્ક્રીન પર તોડફોડ શરૂ કરી દીધી હતી. આ ઘટના રવિવારે રાત્રે આરકે સિનેમામાં છેલ્લા શો દરમિયાન બની હતી, જે રાત્રે 11:45 વાગ્યે હતો. આરોપી જયેશ વસાવા નશામાં હોવાનું કહેવાય છે. તે સ્ક્રીન તરફ દોડી ગયો અને પડદો ફાડી નાખ્યો. પોલીસે સોમવારે તેની ધરપકડની પુષ્ટિ પણ કરી હતી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ભરૂચના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓના જણાવ્યા અનુસાર ઔરંગઝેબ દ્વારા સંભાજી રાજે મહારાજની હત્યા દર્શાવતા સીન દરમિયાન વસાવા ખૂબ જ ભાવુક થઈ ગયો હતો. તે ભાવનાત્મક રીતે એટલો ઉશ્કેરાઈ ગયો કે તેણે સ્ક્રીન પર જઈને ‘ઔરંગઝેબ પર હુમલો’ કરવાનો પ્રયાસ કર્યો. જો કે વધુ નુકસાન થાય એ પહેલાં જ મલ્ટિપ્લેક્સ સ્ટાફે ઘટનાને અટકાવી દીધી હતી.
આરકે સિનેમાના જનરલ મેનેજરે આ ઘટનાને કારણે થયેલા નાણાકીય નુકસાન અને શોમાં થયેલા વિક્ષેપ વિશે વાત કરી. તેમણે કહ્યું, ‘મને બ્લુ ચિપ સિનેમાના સ્ટાફ તરફથી એક કોલ આવ્યો જેમાં તોડફોડ વિશે જાણ કરવામાં આવી. વધુ નુકસાન અટકાવવા માટે અમે તાત્કાલિક તે વ્યક્તિને ઓડિટોરિયમમાંથી દૂર કર્યો. અંદાજે 1.5 લાખ રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે.
સોમવારે યોજાનાર ફિલ્મના સ્ક્રીનિંગ પ્રભાવિત થયા હતા અને સમારકામને પ્રાથમિકતા આપવામાં આવી હતી, રાત સુધીમાં ફિલ્મનું સ્ક્રીનિંગ ફરી શરૂ કરવાનો લક્ષ્ય રાખ્યો હતો. પરિસ્થિતિને સંભાળવા માટે, અસરગ્રસ્ત પ્રેક્ષકોને પૈસા પાછા આપવાનો અથવા નજીકના ઓડિટોરિયમમાં ફિલ્મ જોવાનું ચાલુ રાખવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. કેટલાકે રિફંડનો વિકલ્પ પસંદ કર્યો, જ્યારે કેટલાકે બીજી સ્ક્રીન પર ફિલ્મ જોવાનું ચાલુ રાખ્યું.
સિનેમા મેનેજમેન્ટ દ્વારા દાખલ કરાયેલી પોલીસ ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વસાવાએ એક મહિલા કર્મચારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને ફરજ પરના સ્ટાફને ધમકી આપી હતી. પરિણામે, તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની જોગવાઈઓ હેઠળ મિલકતને નુકસાન પહોંચાડવા અને અશ્લીલ ભાષાનો ઉપયોગ કરવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત, ઘટના સમયે તે નશામાં હોવાથી તેની સામે દારૂબંધી કાયદા હેઠળ એક અલગ કેસ નોંધવામાં આવ્યો છે.
View this post on Instagram