રાજકોટ : મહિલાઓના CCTV વીડિયો વેચનારા 2ની અમદાવાદ સાયબર ક્રાઇમે મહારાષ્ટ્રમાંથી કરી ધરપકડ
હાલમાં જ રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી, પાયલ મેટરનીટી હોસ્પિટલમાંથી મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના સીસીટીવી ફુટેજ વાયરલ થતા હોબાળો મચી ગયો. આ મામલે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે આરોપીઓની ધરપકડ કરી છે.
આ બંને આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં આ પ્રકારના દૃશ્યો વેચતા હતા અને તેના માટે મોટી રકમ લેતા હોવાની વિગતો અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ પાસે આવી છે. જણાવી દઇએ કે, આરોપીઓની ઓળખ પ્રજ્ઞેસ પાટીલ અને પ્રજવલ તેલી તરીકે થઇ છે. એક ટીમ હજી યુપીમાં તપાસ કરી રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, આ આરોપીઓ પહેલાથી આ પ્રકારે મહિલાઓના અશ્લીલ વીડિયો વેચીને કમાણી કરતા હતા કે કેમ તે દિશામાં તપાસ ચાલી રહી છે. બંનેને અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચ લાવ્યા પછી વધુ પૂછપરછ કરવામાં આવશે. એવું સામે આવ્યુ છે કે હોસ્પિટલના સીસીટીવી આઈપીના આધારે હેક કરવામાં આવ્યા હતાં ને બાદમાં આ ફૂટેજ સોશિયલ મીડિયા પર વેચતા.
હોસ્પિટલમાં સગર્ભા મહિલાઓનાં ચેકઅપની અંગત ક્ષણોનાં સાતેક જેટલા વીડિયો યુટ્યૂબની એક ચેનલ પર અપલોડ થયા હતા, આ ચેનલ 6 જાન્યુઆરીએ યુટ્યૂબ પર ક્રિએટ થઈ હોવાનું સામે આવ્યુ છે. 7 સપ્ટેમ્બરે અન્ય સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર લિન્ક બની અને ટેલિગ્રામ એપ પરનાં ગ્રૂપમાં 90થી વધારે લોકો જોડાયેલા છે. આ મામલે હોસ્પિટલનાં એડમીને જણાવ્યું કે, વાયરલ થયેલાં વીડિયો અમારી જ હોસ્પિટલનાં છે. અમારા CCTV હેક થયા છે.