વલસાડમાં પ્રેમસંબંધનો કરુણ અંત ! પ્રેમિકાનું ગળુ દબાવી કરી હત્યા અને પછી પ્રેમીએ પણ…

વલસાડમાં પ્રેમીએ પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કર્યાં બાદ પોતે પણ લીધું ખતરનાક પગલું

ગુજરાતમાંથી અવાર નવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર અંગત અદાવતમાં હત્યા કરી નાખવામાં આવતી હોય છે, તો ઘણીવાર પ્રેમ સંબંધમાં પ્રેમી પ્રેમિકાની હત્યા નિપજાવી પોતે આત્મહત્યા કરી લેતા હોય છે. ત્યારે હાલમાં આવો જ એક કિસ્સો ગુજરાતના વલસાડમાંથી સામે આવ્યો છે. જેમાં એક યુવતિની હત્યા તેના પ્રેમી દ્વારા નિપજાવવામાં આવી હતી. આ ઘટનાથી ચકચાર મચી જવા પામી છે. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને છેલ્લા આ સંબંધનો હત્યા અને આત્મહત્યાથી કરુણ અંત આવ્યો હતો.

ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, વલસાડના રોણવેલ ગામે રહેતી પાયલ પટેલ અને નાની સરોણ ગામમાં રહેતો સ્મિત પટેલ સોશિયલ મીડિયાના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ બંને વચ્ચે ધીરે ધીરે મિત્રતા થઇ હતી, જે બાદ પ્રેમ પાંગર્યો હતો. ત્યારે 22 તારીખના રોજ જ્યારે પાયલનો પરિવાર વલસાડ સામાજિક પ્રસંગ અર્થે ગયો હતો ત્યારે પાયલ ઘરે એકલી હતી અને આ વાતની જાણ સ્મિતને થતા તે તેના ઘરે આવ્યો હતો.

આ દરમિયાન બંને વચ્ચે કોઇ કારણસર ઝઘડો થતા સ્મિતે પાયલનું ગળુ દબાવી તેની હત્યા કરી નાખી હતી અને તે બાદ ફરાર થઇ ગયો હતો. પાયલ ઘરે એકલી હોવાને કારણે તેના કાકી ચેક કરવા જતા હતા અને ત્યારે દરવાજો બંધ હતો અને પાછળના દરવાજેથી તેમણે જોયુ તો પાયલ પલંગ પર મૃત હાલતમાં મળી આવી હતી. તપાસમાં ખબર પડી કે તેનું ગળુ દબાવી હત્યા કરવામાં આવી છે. આ ઘટનાની જાણ પાયલના કાકીએ તેના માતા-પિતા અને ગામના કેટલાક અગ્રણીઓને કરી હતી.

જે બાદ સ્મિતે હત્યા કરી હોવાની આશંકા વલસાડ રૂરલ પોલિસ સામે વ્યક્ત કરી હતી. પોલિસે તપાસ કરતા સ્મિત મળી આવ્યો ન હતો અને તે બાદ તેનુ બાઇક અને મોબાઇલ તળાવ કિનારે મળી આવ્યા હતા. જે બાદ પોલિસે તરવૈયાએની મદદ લીધી હતી અને સ્મિતની શોધખોળ હાથ ધરી હતી. મોડી રાત સુધી શોધખોળ બાદ પણ તેની લાશ મળી આવી ન હતી. જે બાદ ગઇકાલના રોજ એટલે કે 23 તારીખના રોજ સવારે તેની લાશ મળી આવી હતી. હાલ તો પોલિસે લાશનો કબ્જો મેળવી પીએમ અર્થે મોકલી આપી છે.પોલિસે મૃતક સ્મિત વિરૂદ્ધ હત્યા અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Shah Jina