...
   

આ ખાસ યોગમાં મનાવવામાં આવશે અપરા એકાદશી, આજે ભૂલથી પણ ન કરો આ 4 કામ

આજે છે અપરા એકાદશી, આજે સંબંધ બાંધવાનો વિચાર પણ મનમાં ન લાવવો

વૈદિક શાસ્ત્ર પ્રમાણે દર વર્ષે કુલ 24 એકાદશી ઉજવવામાં આવે છે. આ રીતે એક મહિનામાં બે વખત એકાદશી આવે છે. પહેલી કૃષ્ણ પક્ષની અને બીજી શુક્લ પક્ષની. જેઠ મહિનામાં કૃષ્ણ પક્ષની એકાદશીને અપરા એકાદશી કહેવામાં આવે છે. આ ઉપરાંત તેને અચલા એકાદશી પણ કહેવામાં આવી છે. આ વખતે અપરા એકાદશીનું વ્રત 26મે, ગુરુવારના રોજ આવે છે. આ વખતે સૌથી ખાસ વાત એ છે કે, અપરા એકાદશી આ વખતે આયુષ્યમાન યોગમાં મનાવવામાં આવશે. આ અંગે જ્યોતિષિયોનું કહેવું છે કે, અપરા એકાદશીના દિવસે કેટલાક કામો ન કરવા જોઈએ.

1. અપરા એકાદશીના દિવસે ચોખા ન ખાવા જોઈએ. તેનાથી વ્યક્તિનું મન ભટકે છે અને ભગવાનની ભક્તિમાં એકાગ્રતા રહેતી નથી. એવું પણ કહેવામાં આવે છે કે, માતા શક્તિના ક્રોધથી બચવા માટે મહર્ષિ મેઘાએ શરીનો ત્યાગ કરી દીધો હતો. તેનો અંશ પૃથ્વીમાં સમાઈ ગયો હતો. પછી ચોખા અને જવના રૂપમાં મહર્ષિ મેઘા ઉત્પન્ન થયા, તેથી ચોખા અને જવને જીવનો દરજ્જો આપવામાં આવ્યો છે.

2. અપરા એકાદશીના દિવસે સાત્વિક ભોજન લેવાનું મહત્વ છે. આ દિવસે લસણ અને ડૂંગળી ખાવી પણ વર્જિત છે. આ ઉપરાંત માંસ અને દારુનો વિચાર પણ મનમાં ન આવવો જોઈએ. એકાદશીનું વ્રત કરનારે બ્રહ્મચર્યનું પાલન કરવાનું રહે છે.

3. એકાદશીના દિવસે પલંગ કે ખાટલા પર સુવાને બદલે જમીન પર સુવાનું વિધાન છે. આ દિવસે સંબંધ બાંધવાનો વિચાર પણ મનમાં ન આવે તેનું ધ્યાન રાખવું જોઈએ.

4. આ ઉપરાંત અપરા એકાદશીના દિવસે કાળા કપડા ન પહેરવા. તેના બદલે તમે પીળા કલરના કપડા પહેરો તે યોગ્ય રહેશે. પૂજા કરતી વખતે પણ પીળા કલરના કપડા પહેરેલા રાખો.

તો બીજી તરફ અપરા એકાદશીના દિવસે શક્ય હોય તો ગંગા સ્નાન કરો, આ ઉપરાંત દાન કરવાથી ભગવાનની કૃપા મળે છે. આપણા શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે અપરા એકાદશીના દિવસે પીપળાના વૃક્ષને જળ અર્પણ કરો અને ગાયના ઘીનો દીવો પ્રગટાવો. આવું કરવાથી સમસ્ત દેવી-દેવતાઓની કૃપા તમારા પર રહેશે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ રહેશે. તમારી દરેક સમસ્યાનું ટૂંક સમયમાં નિરાકરણ આવશે.

YC