અનંત-રાધિકા લગ્ન બાદ રોકાયા છે પેરિસની આ અફલાતૂન હોટલમાં, સૌથી સસ્તા રૂમનું ભાડુ પણ અધધધધ લાખ

 

મુકેશ અંબાણી અને તેમનો પરિવાર આ દિવસોમાં પેરિસમાં છે. જ્યાં તેઓ પેરિસ ઓલિમ્પિક 2024ની મજા માણી રહ્યા છે. અહેવાલ છે કે પેરિસમાં અંબાણી પરિવાર ફોર સીઝન્સ હોટેલ જ્યોર્જ વીમાં રોકાયો છે. અનેકવાર અંબાણી પરિવારના સભ્યો આ ફાઈવ સ્ટાર હોટલમાં જોવા મળ્યા છે.

મુકેશ અંબાણી અને તેમની પત્ની નીતા અંબાણી શુક્રવારે ઓલિમ્પિકની ઓપનિંગ સેરેમનીમાં દીકરી ઈશા અંબાણી અને જમાઇ આનંદ પીરામલ સાથે જોવા મળ્યા હતા. હાલમાં જ તેમનો નાનો પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ એકસાથે જોવા મળ્યા હતા. બંનેએ આ મહિનામાં 12 જુલાઇના રોજ મુંબઈમાં લગ્ન કર્યા હતા.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં નવપરિણીત કપલ અનંત અને રાધિકાને ફોર સીઝન્સ હોટેલ જ્યોર્જ પંચમમાં પ્રવેશતા જોઈ શકાય છે. નીતા અંબાણી પણ હાલમાં જ આ ફાઈવ સ્ટાર હોટલમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. અન્ય એક વીડિયોમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી ફોર સીઝન્સ હોટલમાં પ્રવેશતા જોવા મળ્યા હતા.

ફોર સીઝન્સ હોટેલ જ્યોર્જ એ પેરિસની સૌથી પ્રતિષ્ઠિત હોટેલ્સમાંની એક છે. ઐતિહાસિક ચેંપ્સ-એલિસીસથી થોડે જ દૂર સ્થિત આ હોટેલ તેના ભવ્ય સ્થાપત્ય અને આંતરિક સજાવટ માટે જાણીતી છે. પેરિસની આ હોટલને આઇકોન કહેવામાં આવે છે. તે તેની અસાધારણ સેવા માટે પ્રખ્યાત છે.

આ ફાઈવ સ્ટાર હોટલમાં આવેલી ‘લે જ્યોર્જ’ અને ‘લોરેંજરી’ને પણ મિશેલિન સ્ટાર મળ્યા છે. વર્ષ 1928માં સૌપ્રથમવાર ખોલવામાં આવેલી આ હોટલમાં 244 લક્ઝુરિયસ રૂમ છે. જેમાં સ્યુટ્સનો પણ સમાવેશ થાય છે. હોટલની વેબસાઈટ અનુસાર, અહીં સૌથી સસ્તા રૂમનું ભાડું 1.8 લાખ રૂપિયા પ્રતિ રાત્રિથી શરૂ થાય છે.

જો કે, પેરિસ ઓલિમ્પિકના કારણે કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે. હોટેલ તેના મહેમાનોને ઘણી સુવિધાઓ આપે છે. જેમાં ફાઇવ-સ્ટાર સ્પા, સ્વિમિંગ પૂલ, સૌના, એક ઓન-સાઇટ બુટીક, દિવસમાં બે વાર હાઉસકીપિંગ, સ્વચ્છતા કીટ અને બીજું ઘણુ બધુ સામેલ છે.

Shah Jina