અમિતાભ બચ્ચનને પહેલીવાર પોતાના સોશિયલ મીડિયામાં કર્યું ગુજરાતી ફિલ્મનું ટ્રેલર રિલીઝ, દર્શકો પણ આવી ગયા ઉત્સાહમાં, જુઓ

ગુજરાતી ફિલ્મનો યુગ બદલાયો છે અને આજે ગુજરાતી સિનેમામાં પણ એકથી એક ચડિયાતી ફિલ્મો આવી રહી છે. દર્શકો પણ મોટા પ્રમાણમાં હવે થિયેટરમાં ગુજરાતી ફિલ્મો જોવા માટે જઈ રહ્યા છે. ત્યારે આવનારી ફિલ્મોને લઈને પણ દર્શકો ખુબ જ ઉત્સાહિત રહેતા હોય છે. એવી જ એક ફિલ્મ હવે ટૂંક સમયમાં એટલે કે 19 ઓગસ્ટના રોજ થિયેટરમાં આવી રહી છે.

આ ફિલ્મનું નામ છે “ફક્ત મહિલાઓ માટે”. ફિલ્મનું નામ સાંભળીને એવું ના વિચારતા કે આ ફિલ્મ ફક્ત મહિલાઓ જ જોઈ શકે છે, પરંતુ આ એક સંપૂર્ણ પારિવારિક ગુજરાતી ફિલ્મ છે, અને આજે જ આ ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થયું છે. ફિલ્મનું ટ્રેલર લોન્ચ થવાની સાથે જ દર્શકો પણ આ ફિલ્મ જોવા માટે વધુ આતુર થતા જોવા મળી રહ્યા છે.

આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થવાની સૌથી ખાસ વાત એ છે કે બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને પણ તેમના સોશિયલ મીડિયામાં આ ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર શેર કર્યું છે, જેના કારણે દુનિયાભરના ચાહકો પણ આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. આ ફિલ્મની અંદર અમિતાભ બચ્ચને પણ એક કેમિયો રોલ કર્યો છે.

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન 19 ઓગસ્ટના રોજ આવનારી ગુજરાતી ફિલ્મ “ફક્ત મહિલાઓ માટે”માં મહેમાન કલાકારની ભૂમિકામાં જોવા મળવાના છે. ત્યારે ગુજરાતી દર્શકો પણ આ ફિલ્મને લઈને ખુબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. અમિતાભ બચ્ચનની આ ફિલ્મને લઈને ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં સામે આવી છે અને ખુબ જ વાયરલ પણ થઇ રહી છે.

આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે આનંદ પંડિત. તેમને અમિતાભ બચ્ચનના ગુજરાતી ફિલ્મમાં કામ કરવા વિશે જણાવ્યું હતું કે, “‘ફક્ત મહિલાઓ માટે” ફિલ્મનો આઈડિયા સાંભળીને અમિતાભ બચ્ચને કહ્યું હતુ કે, હું આ ફિલ્મમાં કામ કરીશ. તેઓને મારામાં વિશ્વાસ છે માટે તેઓ આ ફિલ્મ કરશે. અમિતાભ બચ્ચન પહેલી વખત ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે.”

આનંદ પંડિતે વધુમાં જણાવ્યું હતું કે, “‘ગુજરાતી ભાષા સાથેની તેમની સરળતાથી દરેકને આશ્ચર્ય થયું હતું પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે તેઓ ભાષાશાસ્ત્રી છે અને વિવિધ ભાષાઓની ઊંડાઈ એકદમ સહેલાઈથી પકડી લે છે. મને યાદ છે કે તેમને ‘લાવારિસ’માં જોયા હતા જ્યાં તેઓ એક હાસ્ય દ્રશ્યમાં ઘણી ભાષાઓ બોલતા હતા અને મને ત્યારે થોડી ખબર હતી કે એક દિવસ, તેઓ મારી પોતાની ગુજરાતી ફિલ્મ માટે કેમેરાનો સામનો કરશે ! હંમેશની જેમ, તેમણે પોતાના પ્રોફેશનલીઝમ અને જાદુઇ કરિશ્માથી બધાને ચોંકાવી દીધા હતા”

આ ફિલ્મની અંદર અમિતાભ બચ્ચન ઉપરાંત તમને પ્રખ્યાત ગુજરાતી કલાકારો ભાવિની જાની, દીક્ષા જોશી અને યશ સોની પણ જોવા મળશે. આ ફિલ્મ 19 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં જોવા મળશે.  જય બોડાસ દ્વારા દિગ્દર્શિત, આનંદ પંડિત અને વૈશાલ શાહ દ્વારા સંયુક્ત રીતે નિર્મિત આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમલી ડ્રામા કોમેડી ફિલ્મ છે.

Niraj Patel