છત્રી અને રેઇનકોટ મૂકી દીધા હોય તો કાઢી લેજો બહાર, આ તારીખે ગુજરાતમાં ગાજવીજ સાથે થવાનો છે ભારે વરસાદ, જુઓ આગાહી

Ambalal Patel’s March Rain Forecast : હાલ રાજ્યમાં ઠંડીનો ચમકારો ઓછો અને ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. વહેલી સવારે થોડી ઠંડી જોવા મળે છે, પરંતુ આખો દિવસ ગરમી પડે છે. ત્યારે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન વાદળ છાયું વાતાવરણ રહેવાની આગાહી પણ કરવામાં આવી છે. આ સાથે તેમને 29 અને 29 ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેની અસર છેક માર્ચ મહિના સુધી રહેવાની શક્યતા રહેશે એમ પણ જણાવ્યું છે.

અંબાલાલ પટેલની આગાહી :

અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું કે ગરમીના કારણે અરબ સાગરનો આવતો ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી વરસાદ થઇ શકે છે. આ ઉપરાંત માર્ચના પ્રથમ પંદર દિવસ મધ્ય ગુજરાતમાં વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા રહેશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગરમાં પણ ગરમી પડશે. તેમને વધુમાં જણાવ્યું કે તારીખ 7, 8 અને 9 માર્ચ ત્યાર બાદ 11થી 14 તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે.

માર્ચમાં આવશે વાતાવરણમાં પલટો :

વરસાદને લઈએં આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે માર્ચ મહિનાના પ્રથમ પંદર દિવસમાં હવામાનમાં પલટો આવતાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થઇ શકે છે. આ સમય દરમિયાન કમોસમી વરસાદ થશે અને કરા પડવાની શક્યતા રહેશે. માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે કચ્છના ભાગો, ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના અમુક ભાગમાં વરસાદ થઇ શકે છે. બનાસકાંઠાના ભાગો, કચ્છના ભાગોમાં પણ કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે.

આ તારીખે જોવા મળશે વાદળાં :

અંબાલાલની આગાહી પ્રમાણે આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે અને 3થી 5 માર્ચ દરમિયાન મુંબઈના ભાગ સુધીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. જેના બાદ 5થી 7 માર્ચ દરમિયાન ગુજરાતના ભાગોમાં પણ વાદળ જોવા મળશે. આ સાથે જ હવામાન વિભાગ દ્વારા પણ 10થી વધુ રાજ્યોમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ ભારે વરસાદ અને હિમવર્ષાની ચેતવણી પણ આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે પૂર્વ ભારતની આસપાસનાં વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વર્ષાની સંભાવના છે.

હિમવર્ષાની શક્યતા :

આ ઉપરાંત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષા થવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ, સિક્કીમ અને અરૂણાચલ પ્રદેશમાં ભારે વરસાદ સાથે કરા પડવાની શકયતા આપવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયી વિસ્તારોમાં 24 ફેબ્રુઆરીએ જોવા મળી શકે છે. જેના કારણે શનિવારથી લઈને મંગળવાર સુધી વરસાદ પડવાની શક્યતા છે.

Niraj Patel