ગુજરાતમાં હાલમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. રાજ્યમાં એકસાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર પણ વધ્યુ છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય છે અને તેને કારણે આજે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જારી કરાયુ છે. એક ઓફ શોર ટ્રફ કે જે દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર કેરળ સુધી લંબાયો છે. તેને કારણે નવસારી, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરી છે.
એક સિસ્ટમ ઉત્તર ભાગમાં શિયર ઝોનની અસર છે જેને પગલે વડોદરા, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં આજે અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જારી કરાયુ છે. આ શિયર ઝોનની અસર સૌરાષ્ટ્રના દક્ષિણના જિલ્લાઓ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આવતા જિલ્લાઓમાં રહેવાની હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરાયુ છે. આ વચ્ચે અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલે કહ્યુ- 26 તારીખથી ચોમાસાનું જોર વધુ વધશે, જુલાઈમાં અંતમાં દરિયામાં કંઇક મોટું થશે.
કચ્છના અખાત, મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમની અસરો દેખાઈ શકે છે. હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે. ગુજરાતમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે જેને પગલે બધે પાણી જ પાણી છે. દક્ષિણ ગુજરાત હોય કે સૌરાષ્ટ્ર, દેવભૂમિ દ્વારકા હોય કે વડોદરા…ચારે બાજુ મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. સૌથી વધારે વરસાદની અસર હાલ ગુજરાતના સાઉથ ઝોનમાં જોવા મળી રહી છે. સુરતમાં સતત વરસાદ વરસી રહ્યો છે, ભારે વરસાદને કારણે સુરતના કેટલાંય વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
નવસારી, વલસાડ, તાપી તેમજ ભરૂચ અને નર્મદા સહિતના દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ સંખ્યા બંધ લોકોનું સ્થળાંતર કરવાની તંત્રને ફરજ પડી છે. આજે પણ સાઉથમાં મેઘરાજાની ધુઆધાર બેટિંગ ચાલુ રહેવાની આગાહી છે. હાલમાં બંગાળના ઉપસાગરમાં થોડેક અંશે સિસ્ટમ બની રહી છે, જેના કારણે આગામી 26 અને 30 જૂલાઈ સિસ્ટમ સક્રિય થશે. ઉત્તર ગુજરાતમાં ત્રણ સિસ્ટમ તરફથી અસર સર્જાતા વરસાદ ખાબકશે. દરિયાઈ વિસ્તારોમાં વિશેષ સુચના આપી દેવામાં આવી છે અને માછીમારીઓને પણ દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.