છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાયેલું છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને છેવટે મધ્ય ગુજરાતને ભીંજવ્યા પછી, છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. અસહ્ય ગરમી અને ભેજથી પરેશાન થયેલા અમદાવાદીઓ આતુરતાથી વરસાદની રાહ જોઈ રહ્યા છે. જોકે, હવે તેમની આ પ્રતીક્ષા આગામી 24 કલાકમાં પૂરી થઈ શકે છે. વાસ્તવમાં, જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અમદાવાદમાં વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 24 કલાકમાં અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. વધુમાં, બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે, તે મધ્ય પ્રદેશ થઈને આગામી એક-બે દિવસમાં ગુજરાત તરફ આગળ વધશે. આ ઉપરાંત, ચોમાસાની ધરીનો છેડો, જે હાલમાં પ્રયાગરાજ અને આગ્રા તરફ છે, તે ખસીને આગામી એક-બે દિવસમાં ગુજરાતના ભાગોમાં પહોંચી જશે. આ કારણે 30 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે, એક ઓફશોર ટ્રફ મુંબઈથી 18 ડિગ્રી ઉત્તરમાં દક્ષિણ તરફ રચાય છે, જે કેરળ સુધી વિસ્તરેલી છે. આ ટ્રફ આગળ વધીને દક્ષિણ ગુજરાત તરફ ખસતાં, આગામી બે દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગોમાં વરસાદ થશે. આ ઉપરાંત, બંગાળની ખાડીનું વહન મધ્ય ગુજરાત તરફ આગળ વધતાં, ચોમાસાની ધરી નીચે આવતાં અને ઓફશોર ટ્રફ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ પડશે. મુંબઈના દક્ષિણમાં રચાયેલા શીયર ઝોનને કારણે પણ આગામી દિવસોમાં ગુજરાતમાં વ્યાપક વરસાદ રહેશે.
સંતરામપુરમાં 1 ઇંચ, વીરપુરમાં 24 મિમી, ગરબાડામાં 20 મિમી, તલોદમાં 18 મિમી, છોટા ઉદેપુરમાં 16 મિમી, ડાંગ-આહવામાં 13 મિમી, વ્યારામાં 11 મિમી, વાલિયા, સોનગઢ, ધાનપુર અને મહીસાગરના માંડવીમાં 10-10 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત અન્ય 55 તાલુકાઓમાં સામાન્યથી 10 મિમી સુધીનો વરસાد થયો છે.