અંબા માતાના માઇ ભક્તો સાથે વેપારીની છેતરપિંડી, ભંડારામાં ચઢાવવામાં આવેલ 90 ટકા ચાંદી નકલી

અંબાજી મંદિરમાં દર વર્ષે લાખો ભક્તો માતાના દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાક ભક્તો દ્વારા બાધાની માનતા રાખવામાં આવે છે અને તે બાધા પૂરી થતા તેઓ મંદિરના ભંડારામાં પૈસા અથવા તો કોઇ સોના ચાંદીની વસ્તુ ભેટ કરતા હોય છે, તેમાં પાદુકા, ઘર, ટીકો, ત્રિશૂળ, છત્ર, પતરા પર માતાજીના હાથ પગની છાપ વગેરે જેવી વસ્તુઓ સામેલ છે. ઘણીવાર લોકો સાથે છેતરપિંડીના કિસ્સા બનતા હોય છે. પરંતુ હાલમાં જે ખબર આવી છે, તે ખરેખર ચોંકાવનારી છે.

અંબાજીમાં ટ્રસ્ટ દ્વારા ભાદરવા મહિનાની પૂનમ બાદ ભંડારાની ગણતરી કરવામાં આવી અને તેમાં સામે આવ્યુ કે, છેલ્લા બે વર્ષમાં ભક્તો દ્વારા જે માતાજીને પૂજાપાની ચાંદી ચઢાવવામાં આવે છે નકલી છે. જેને ટ્રસ્ટ દ્વારા હવે ખોટી ખાખર ગણી તેની હરાજી દ્વારા નિકાલ કરાશે. તમને લાગશે કે આ ખોટી ખાખર શુ હોય, તો જણાવી દઇએ કે, પૂજાની થાળી સાથે સોના-ચાંદીની દુકાનો પરથી ખરીદી કરવામાં આવેલ આ વસ્તુઓ મોટાભાગે નકલી નીકળે છે જયારે પણ ગણતરી થાય છે ત્યારે ભંડારાની બધી વસ્તુઓ તપાસ કરતા ખોટી નીકળે છે અને તેને ખોટી ખાખર કહેવામાં આવે છે.

ભક્તો પોતાની જાતે જ ભંડારામાં ચાંદીની વસ્તુઓની ભેટ કરતા હોય છે. ત્યારે આ ભેટ સાચી છે કે ખોટી તે તો ગણતરી સમયે તપાસ કરતા જ ખબર પડે છે. નકલી ચાંદીની ખરીદી જયાંથી કરવામાં આવી તે તો ત્યારે જાણી શકાતુુ નથી ત્યારે કોઇ પણ ભક્ત દ્વારા જો ખરીદી કરવામાં આવેલ વસ્તુ મંદિર ટ્રસ્ટ્રને બતાવી ભેટ કરશે અને જો તપાસ કરતા તે નકલી જણાઇ આવશે તો તે વેપારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

ભક્તો દ્વારા આપવામાં આવેલી ભેટ નકલી ચાંદી હોવાના કારણે તેની કોઈજ આવક અંબાજી મંદિર ટ્રસ્ટને થતી નથી. નકલી ચાંદીના નુકસાનની જો વાત કરવામાં આવે તો વર્ષ 2019-20 દરમ્યાન 273 કિલો નકલી ચાંદી મંદિર ભંડારામાં આવી. આજના બજાર કિંમત મુજબ ચાંદી 62000 રૂપિયા પ્રતિકિલો છે. ત્યારે 273 કિલો ચાંદી ભાવ 62000 મુજબ 1,69,26,000 જેટલી માતબર રકમની છેતરપીંડી ભક્તો સાથે થઈ.

Shah Jina