અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ પહોંચ્યા અબુ ધાબીના પહેલા હિંદુ મંદિર BAPS…માથુ ટેકવી લીધા આશીર્વાદ

અબુ ધાબીના BAPS હિંદુ મંદિરમાં અક્ષય-ટાઇગરે ટેક્યુ માથુ, ‘બડે મિયાં છોટે મિયાં’ માટે લીધા આશીર્વાદ

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ આ દિવસોમાં ‘બડે મિયાં છોટે મિયાં’ના પ્રમોશનમાં વ્યસ્ત છે, ત્યારે હાલમાં તેઓ અબુધાબી પહોંચ્યા હતા અને ફિલ્મની રીલિઝ પહેલા બંને કલાકારોએ અબુ ધાબીમાં બનેલા પ્રથમ BAPS મંદિરમાં પ્રાર્થના કરી હતી. સંયુક્ત આરબ અમીરાતની રાજધાની અબુ ધાબીમાં બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે.

બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા બનાવવામાં આવેલ અને સંચાલિત આ મંદિરનું ઉદ્ઘાટન 14 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. અક્ષયે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સફેદ કુર્તા અને ટ્રાઉઝરમાં જોઈ શકાય છે. જ્યારે ટાઈગર ગ્રીન કુર્તા અને પેન્ટમાં જોવા મળી રહ્યો છે. વીડિયોમાં બંને હાથ જોડીને મંદિરના પૂજારીના પગ સ્પર્શ કરતા જોવા મળે છે. અભિનેતા પૂજારી સાથે વાત કરી રહ્યો છે અને મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યો છે.

અક્ષય અને ટાઈગર મંદિરની અંદર આરતી કરતા પણ જોઈ શકાય છે. અક્ષયે આ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, ‘અબુ ધાબીમાં BAPS હિંદુ મંદિરની મુલાકાત લેવાની તક મળી, તે એકદમ દૈવી અનુભવ હતો.’ અક્ષયે તેના ચાહકોને નવરાત્રી, ગુડી પડવા અને ઉગાદીની શુભકામનાઓ પણ પાઠવી હતી. તેણે કહ્યું, ‘આ શુભ અવસર તમારા અને તમારા પ્રિયજનો માટે ખુશીઓ, સમૃદ્ધિ અને નવી શરૂઆત લઈને આવે.’

જણાવી દઇએ કે, અલી અબ્બાસ ઝફર દ્વારા નિર્દેશિત બડે મિયાં છોટે મિયાં વાશુ ભગનાની અને પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા રજૂ કરવામાં આવી રહી છે. આ ફિલ્મમાં સોનાક્ષી સિન્હા, માનુષી છિલ્લર અને અલાયા એફ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું નિર્માણ વાશુ ભગનાની, દીપશિખા દેશમુખ, જેકી ભગનાની, હિમાંશુ કિશન મેહરા અને અલી અબ્બાસ ઝફર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 11 એપ્રિલના રોજ એટલે કે આવતી કાલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

Shah Jina