સુરત : રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના દરવાજા ના ખુલતા પેસેન્જર્સ ના તો અંદરથી બહાર જઇ શક્યા, ના તો બહારથી અંદર આવી શક્યા…કલાક સુધી અટવાઇ ટ્રેન

વંદે ભારત ટ્રેન જ્યારથી શરૂ થઇ છે ત્યારથી અવાર નવાર તેને લઇને ખબરો સામે આવતી રહે છે. ઘણીવાર ટ્રેન સાથે પશુઓના અથડામણની ઘટના બની છે જ્યારે કેટલીકવાર ટ્રેનના ઓટોમેટિક દરવાજાને કારણે પણ કોઇને હેરાન-પરેશાન થવું પડ્યુ છે. ત્યારે હાલમાં ફરી એકવાર વંદે ભારત ટ્રેનને લઇને સમાચાર આવ્યા છે. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનના દરવાજા ના ખૂલવાને કારણે મુસાફરો પરેશાન થયા હતા.

જણાવી દઇએ કે, સુરત રેલવે સ્ટેશન પર વંદે ભારત ટ્રેનના દરવાજા ન ખૂલતા ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઈ હતી. સુરત ખાતે સવારે 8.20 વાગ્યે પહોંચતી વંદે ભારત ટ્રેનના ટેક્નિકલ કારણોસર દરવાજા ન ખૂલતા મુસાફરો ના તો અંદરથી બહાર જઇ શક્યા અને ના તો બહારથી અંદર આવી શક્યા. ટ્રેનમાં લાઈટ, એસી બંધ કરવા છતાં પણ દરવાજા નહોતો ખૂલ્યા.

જો કે મેન્યુઅલી દરવાજા ખોલવા માટે રેલવે સ્ટાફ મજબૂર બન્યો હતો. ટ્રેનના સી-14 કોચનો દરવાજો મેન્યુઅલી ખોલવામાં આવ્યો હતો. સવારે ટ્રેન અંદાજે 8.20 વાગ્યે સુરત રેલવે સ્ટેશન પર પહોંચી હતી, જે બાદ મુસાફરો કોચમાંથી બહાર જવા માટે ઊભા થયા પણ દરવાજા ખુલ્યા નહિ. જેના કારણે મુસાફરો અંદર જ બેસી રહ્યા.

ટેક્નિકલ કારણોસર ટ્રેનના દરવાજા ના ખુલતા રેલવે વિભાગના એન્જિનિયર્સની ટીમ તાત્કાલિક દોડી ગઇ હતી અને ભારે જહેમત બાદ મેન્યુઅલી દરવાજા ખોલવામાં સફળતા મળી હતી. આને કારણે ટ્રેન એક કલાકથી વધુ સમય સુધી અટવાઇ હતી અને ટ્રેનના શેડ્યૂલમાં પણ ફેરફાર થયો હતો.

Shah Jina