વીજળીના કડાકાભડાકા સાથે અમદાવાદમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલી

કેમિકલ વાળા પાણીથી થાય છે ચામડીના રોગો, અમદાવાદીઓની થઇ ભારે હાલાકી – જુઓ તસવીરો

હાલ તો રાજયમાં ચોમાસુ જામેલુ છે, જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ જ છે. અમદાવાદમાં હાલમાં જ રવિવારના રોજ પડેલા ભારે વરસાદ બાદ આજે ફરી એકવાર વીજળીના કડાકાભડાકા સાથે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. છેલ્લા એક કલાકમાં સરેરાશ એક ઇંચ વરસાદ પડ્યો તો પડી પણ ગયો છે. ત્યારે ઇન્કમટેક્સ, ઉસ્માનપુરા, આશ્રમ રોડ વાડજ, સાબરમતી, ચાંદખેડા, મોટેરા, ચાંદલોડિયા, નિર્ણયનગર સહિત રાણીપમાં બે ઈંચ વરસાદ ખાબક્યો છે.

તો પાલડી, વાસણા, વેજલપુર અને શાહપુર, દરિયાપુર સહિત શાહીબાગ, મેમકો, સરસપુર, મણિનગર, બોડકદેવ, સાયન્સ સીટી, વસ્ત્રાપુર, ઓઢવ, વિરાટનગર વિસ્તારમાં એકથી દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને કારણે અખબાર નગર, શાયોના સિટી, ચાંદલોડિયા, ઘાટલોડિયા, અને ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારમાં વરસાદમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત શિવરંજની, બોડકદેવ અને વસ્ત્રાપુર સહિત ઇસ્કોન, એસજી હાઈવે અને પ્રહલાદનગર તેમજ જીવરાજપાર્કમાં વરસાદના પાણી ભરાઇ ગયા છે.

જો કે, ચાંદખેડા અને ગોતામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાને કારણે તંત્રની કામગીરીની પણ પોલ છતી થઇ ગઇ છે. રસ્તા પર પાણી ભરાવાને કારણે વાહનચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં વરસાદને કારણે પાણી ભરાતા અખબારનગર અંડરપાસ બંધ કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં શરૂ થયેલ ભારે વરસાદના કારણે શહેર DEOએ આદેશ આપ્યો કે, વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં લઇ દરેક શાળાના આચાર્યએ પોતાની વિવેક બુદ્ધિથી સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લેવો. જણાવી દઇએ કે, હજી પણ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસની ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

રાજ્યના વિવિધ શહેરોમાં જે રીતે ધોધમાર વરસાદ પડી રહ્યો છે તેને લઈને રોડ-રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી ખાડા પડી ગયા છે. વરસાદને કારણે રોડ પરથી વાહન સ્લીપ થવાની પણ ઘણી ઘટનાઓ બની રહી છે. હજી તો રાજયમાં ચોમાસું શરૂ થયું છે ત્યાં 50 ટકા વરસાદ પણ પડી ગયો છે. અત્યારસુધીમાં સીઝનનો 17 ઈંચ કરતાં પણ વધુ વરસાદ રાજયમાં થયો છે. રાજયમાં ભારે વરસાદને પગલે ઘણા ડેમ પર હાઇ એલર્ટ, એલર્ટ અને ચેતવણીના સિગ્નલ પણ આપવામાં આવ્યા છે.

કચ્છમાં અત્યાર સુધીમાં 17 ઈંચ અને 97.76 ટકા વરસાદ ખાબક્યો છે. ઉત્તર ગુજરાતમાં સાત ઈંચ, મધ્ય ગુજરાતમાં 13 ઈંચ, સૌરાષ્ટ્રમાં 14 ઈંચ, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 37 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજયમાં બુધવારની સ્થિતિએ 21 ડેમ સંપૂર્ણ છલકાયા છે. સરદાર સરોવર સહિત રાજ્યના 207 ડેમમાં અત્યારે 46.91 ટકા પાણીનો સંગ્રહ થયો છે.

જણાવી દઇએ કે, આગાહી પ્રમાણે આવતીકાલે એટલે કે 15 જુલાઇએ ગીર સોમનાથ, અમરેલી જૂનાગઢમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમજ આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના તંત્ર દ્વારા અપાઇ છે. ગુજરાતમાં ચોમાસાની સમગ્ર સીઝનમાં 34 ઇંચ વરસાદ પડવાની સરેરાશ છે, જેની સરખામણીએ હાલ સુધીની સ્થિતિએ કુલ 14.52 ઈંચ, એટલે કે 42.72 ટકા વરસાદ વરસ્યો છે.

જણાવી દઇએ કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. રાજયમાં અત્યારસુધીમાં પડેલા 14.52 ઈંચ વરસાદમાંથી 7.67 ઈંચ એટલે કે 47 ટકા જેટલો વરસાદ તો માત્ર પાંચ જ દિવસમાં પડી ગયો છે. વરસાદને કારણે અત્યાર સુધી 31035 નાગરિકનું સ્થળાંતર કરવામાં આવ્યું છે, જ્યારે છેલ્લા 24 કલાકમાં 14 લોકોનાં મોત થયાં છે.

Shah Jina