સ્માર્ટ સિટી અમદાવાદમાં માવઠાએ ધબધબાટી બોલાવી, RCC રોડમાં ભૂવો પડતાં આખી કાર ગરકાવ થઈ
ગુજરાતમાં હાલમાં અનેક શહેરોમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગઇકાલે એટલે કે 28 મે રવિવારના રોજ પણ રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદ વરસ્યો. આ પહેલા શુક્રવારના રોજ પણ વરસાદે રમઝટ બોલાવી હતી. ત્યારે અમદાવાદમાં હવામાન વિભાગની આગાહીને પગલે શુક્રવારે મોડી સાંજે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો અને આ દરમિયાન 30 મિનિટ પડેલા વરસાદે AMCની પ્રીમોન્સૂન કામગીરીની પોલ પટ્ટી ખોલીને રાખી દીધી હતી.
30 મિનિટમાં જ વરસેલા વરસાદને કારણે શહેરમાં પાણી ભરાઈ ગયા હતા અને ક્યાંક તો નુકશાન પણ થયુ હતુ. ભારે પવન સાથે વરસાદ વરસતા ઠેર ઠેર ઝાડ પડવાની ઘટનાઓ પણ બની હતી. આ ઉપરાંત એક જગ્યાએ ભુવો પડતા આખે આખી કાર ભુવામાં ગરકાવ થઇ ગઇ હતી. ત્યારે માંડ 30 મિનિટ પડેલા વરસાદે મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રિમોન્સૂન કામગીરીના ધજાગરા ઉડાડ્યા હતા.
અમદાવાદમાં શુક્રવારે સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો અને આ દરમિયાન અનેક જગ્યાએ ઝાડ પડવાની ફરિયાદો તો કેટલાક જગ્યાએ પાણી ભરાવાની ફરિયાદો ઉઠી હતી. અનેક જગ્યાએ સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ ગયા હતા અને ગટરની કેચપીટમાં પાણી ઉતર્યું ન હતું. કોર્પોરેશન તંત્ર દ્વારા એવા દાવા કરવામાં આવ્યા હતા કે 50,000થી વધુ કેચપીટો બે- ત્રણ વાર સાફ કરાઈ, ગટરના ઢાંકણાઓ બદલવામાં આવ્યા,
આ ઉપરાંત તમામ જગ્યાએ લાઈનોને સાફ કરવામાં આવી પણ જ્યારે શુક્રવારે વરસાદ વરસ્યો ત્યારે આ ધોધમાર વરસાદ બાદ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ. શુક્રવારના રોજ પડેલા વરસાદમાં 50થી વધુ જગ્યાએ ઝાડ પડ્યા હોવાવી ઘટના સામે આવી અને સરસપુરમાં એક વ્યક્તિનું વૃક્ષ ધરાશાયી થતા મોત પણ નીપજ્યું.
ઉલ્લેખનીય છે કે, સરખેજ વિસ્તારમાં ફતેવાડી કેનાલ પાસે RCC જવાના રોડ પર ભુવો પડ્યો અને આ ભુવામાં આખે આખી કાર ગરકાવ થઈ જા પામી. જો કે, રાહત તો એ વાતની હતી કે કોઈ પ્રકારની જાનહાનિ થઈ નહોતી. મણીનગર વિસ્તારમાં શાળાની દિવાલ ધરાશાયી થઇ હતી અને તેને કારણે કારને નુકસાન પહોંચ્યું હતું.