અમદાવાદમાં ગેસ લીકેજ થયા બાદ અચાનક થયો બ્લાસ્ટ, એક જ પરિવારની સાત જિંદગીઓ ભૂંજાઈ ગઈ, હૃદય કંપાવી દેનારી ઘટના

મોત ક્યારે કોને ભરખી જાય એ કઈ જ નક્કી નથી હોતું, આવું જ કંઈક હાલ અમદાવાદના બારેજામાં જોવા મળ્યું છે, જ્યાં એક પરિવારના 9 સભ્યો રાત્રે શાંતિની ઊંઘ માણી રહ્યા હતા, અને એમને સપનામાં પણ ખ્યાલ નહોતો કે ઘરમાં ગેસ લીક થઇ રહ્યો છે, એક વ્યક્તિ ઉભો થયો અને લાઈટની સ્વીચ ચાલુ કરતા જ અચાનક બ્લાસ્ટ થઇ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર 20 જુલાઈએ મધરાતે બારેજા-મહીજડા રોડ પર ફેક્ટરીના રૂમમાં રહેતા મધ્યપ્રદેશના પરિવારના સભ્યો પોતાનું કામ પૂર્ણ કરી અને શાંતિની ઊંઘ માણી રહ્યા હતા. ત્યારે જ બાજુમાં રહેતા રાજસ્થાનના ફુલસિંગે મોડી રાતે જાણ કરી હતી કે તેમના ઘરમાંથી ગેસની ગંધ આવી રહી છે.

મધ્યપ્રદેશના પરિવારના આ સભ્યો હજુ ઊંઘમાંથી ઉભા થઇ અને કઈ સમજી શકે એ પહેલા જ ફુલસિંગે લાઈટની સ્વીચ ચાલુ કરી દીધી અને તેની સાથે જ ભયાનક બ્લાસ્ટ થયો હતો જેમાં પરિવારના 9 સભ્યો સહીત ફુલસિંગ પણ ઘાયલ થઇ ગયા હતા, ઘાયલોને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

સારવાર અર્થે દાખલ કરવામાં આવેલા 10 લોકોમાંથી ગઈકાલે ચાર લોકો અને આજે બીજા 3 લોકોના મોત નિપજ્યા હતા. હજુ પણ ત્રણ લોકો સારવાર હેઠળ છે. પોલસીએ આ બાબતે અકસ્માતનો ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

તો આ બાબતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ટ્વીટ કરી અને અમદાવાદમાં ઘટેલ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર પ્રત્યે સંવેદના અને સહાય પેટે 4-4 લાખ રૂપિયા અને બાળકોના પરિવારને 2-2 લાખ રૂપિયાની સહાય સાથે ઘાયલોની નિઃશુલ્ક સારવાર કરવા માટે પણ જણાવ્યું છે.

Niraj Patel