અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે, હાલમાં જ કેટલાક દિવસ પહેલા ઇસ્કોનબ્રિજ પર જેગુઆર કારના ચાલક તથ્ય પટેલે ગોઝારો અકસ્માત સર્જ્યો ત્યારે હવે વધુ એક નબીરા દ્વારા BMW કારથી અકસ્માત સર્જવાની ખબર સામે આવી રહી છે. નશામાં ધૂત નબીરાએ BMW કારથી અકસ્માત સર્જી સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યું છે.
BMW કાર ચાલકે સર્જ્યો અકસ્માત
જો કે, આ દુર્ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી નહોતી. હાલ તો પોલીસ દ્વારા BMW કાર ચાલક કમલેશ બિશ્નોઈની ધરપકડ કરવામાં આવી છે. રાત્રે 1 વાગ્યા આસપાસ BMW કાર આડેધડ ચલાવી ફૂટપાથ સાથે અથડાવી અને જે બાદ દારૂના નશામાં કાર ચાલકે કાર જજીસ બંગલાથી લઈને માણેકબાગ સુધી બેફામ દોડાવી. જો કે, સેટેલાઈટ પોલીસે પીછો કરતાં માણેકબાગથી ચાલક ઝડપાયો હતો.
અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો યથાવત
જણાવી દઈએ કે, 19 તારીખે મધરાતે ઇસ્કોન બ્રિજ પર જેગુઆર કાર દ્વારા અકસ્માત સર્જાયા બાદ 23 જુલાઈએ રાત્રે મણીનગરમાં નશામાં ધૂત એક નબીરાએ અકસ્માત સર્જ્યો હતો. પોલીસે કારમાં તપાસ કરી તો બિયરની બોટલ પણ મળી આવી હતી. નશામાં ધૂત ચાલકે કારને બેફામ રીતે હંકારી રોડ પર સાઈડમાં પડેલા બાંકડા પર ઘુસાડી દીધી હતી. ત્યારે હવે ગત રાતે BMW કાર ચાલકે બેફામ ગતિએ કાર હંકારી સરકારી મિલકતને નુકશાન પહોંચાડ્યુ હતુ.