નવા ટ્રાફિકના નિયમો આવ્યા અને લોકો હેરાન પરેશાન થવા લાગ્યા. સોશિયલ મીડિયા ઉપર કોને કેટલો મેમો મળ્યો એની જ ચર્ચાઓ ચાલતી જોવા મળે છે. ચૂંટણીના રીઝલ્ટની જેમ સૌથી વધારે મેમો મળનારની પોસ્ટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે પણ હમણાંજ એક એવો કિસ્સો સામે આવ્યો જે સાંભળીને તમે વિચારમાં પડી જશો.

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા 48 વર્ષીય રાજુભાઈ સોલંકી રીક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા જ તેમની રિક્ષામાં ટ્રાફિક પોલીસના એક ટીઆરબી જવાનને રિક્ષામાં બેસાડ્યો અને રિક્ષામાંથી ઉત્ર્યબળ રાજુભાઈએ એ જવાન પાસે 15 રૂપિયા ભાડું માંગ્યું અને આજ વાતની એ ટીઆરબી જવાને રાજુભાઈને દાઢમાં રાખ્યા હતા.
એક દિવસ રાજુભાઈ નવરંગપુરા, દાદા સાહેબના પગલાં પાસેથી રીક્ષા લઈને નીકળતા એ રિક્ષાને ટ્રાફિક પોલીસે રોકી રૂ.18 હજારનો મેમો ફટકાર્યો હતો. રાજુભાઈ મેમો ના ભરી શકતા તેમની રીક્ષા પણ ડિટેઇન કરવામાં આવી હતી. રાજુભાઈ પોતાનું ઘર પણ માંડ ચલાવી શકતા હતા અને એમાં પણ આ 18 હજારનો મેમો મળતા ચિંતામાં આવી ગયા. વળી, તેમની આજીવિકા પણ તેમનાથી છીનવાઈ ગઈ. ડિપ્રેશનમાં આવેલા રાજુભાઈએ ફિનાઈલ ગટગટાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો. પરિવારને આ બાબતની જાણ થતાં સમય સુચકતા વાપરી રાજુભાઈને તરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જેના કારણે રાજુભાઈનો જીવ બચી ગયો હતો.
આ બાબતની જાણ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં થતા પોલીસનો કાફલો પણ હોસ્પિટલમાં દોડી આવ્યો હતો. મેમોના કારણે આત્મહત્યા સુધી પહોંચવાનો આ પહેલો કિસ્સો સામે આવ્યો.
Author : Gujjurocks Team