જો જો ઇન્ટરનેટ પર લોભામણી લાલચમાં આવી ન જતા ! વડોદરાની મહિલા સાથે એવું થયુ કે…

છેલ્લા ઘણા સમયથી લોકો સાથે ઓનલાઇન છેતરપિંડી કરી તેમના પાસેથી રૂપિયા ખંખેરાવ્યા હોવાના ઘણા કિસ્સા સામે આવે છે. ત્યારે હાલ પણ વડોદરામાંથી આવો કિસ્સો સામે આવ્યો છે. ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગના પકડાયેલા બે સાગરીતોની પૂછપરછ દરમિયાન ટૂંકાગાળામાં જુદા-જુદા રાજ્યોના 250થી વધુ લોકો પાસે રૂપિયા ખંખેર્યા હોવાની વિગત બહાર આવી છે. મોબાઇ એપ ડાઉનલોડ કરીને અટલાદરાની મહિલાએ 5 હજાર રૂપિયાની લોન માટે માંગણી કરી હતી અને આ એપમાંથી તેમના ખાતામાં 3500 રૂપિયા જમા પણ થયા હતા અને 7 દિવસમાં જ ભરવાનું જણાવ્યુ હતુ. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જો કે, એક હપ્તો ન ભરાતા મોબાઇલ એપના સંચાલક દ્વારા મહિલાની ફોન બૂકના કોન્ટેક્ટ પર આ મહિલા વિશેના ગંદા મેસેજ મોકલવાના શરૂ કર્યાં હતા. એટલું જ નહિ પરંતુ આ મહિલાને ગંદા ફોટો પણ મોકલવાનું શરૂ કર્યું. જો કે, આ મહિલાએ આ બાબતે તેના પતિને જાણ કરી હતી અને તે બાદ તેમના દ્વારા સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી. ઉલ્લેખનીય છે કે, આવા 5 કિસ્સા શહેરમાં સામે આવ્યા છે.

અટલાદરાની મહિલાના પતિ અનુસાર, તેમણે 5000 રૂપિયાની લોનની માગણી કરી હતી. પરંતુ રૂ. 3500 જ પાસ થયા અને તે બાદ રૂ. 1226 બીજા દિવસે તેમના પાસે ચાર્જ પેટે ભરાવવામાં આવ્યા અને સાત દિવસમાં રૂ. 3500 ભરવા કહ્યું હતુ. આ પૈસા ન ભરી શકાતા હેરાનગતિ ચાલુ થઇ હતી. પીડિત મહિલાએ કહ્યું કે, જ્યારે તેઓએ બાકીના પૈસા ભરવાનું કહ્યું ત્યારે તેમણે મને જુદા જુદા યુપીઆઇ પેમેન્ટ ચૂકવવા માટે આપવાના શરૂ કર્યાં. બે વાર પ્રયાસ કર્યા બાદ પણ પૈસા ભરાતા નથી. એમ કહીને ધમકીભર્યા મેસેજ આપવા માંડ્યા.

મોબાઇલ પર આવા મેસેજ અને કોલ માતા-પિતાના મોબાઇલ અને કામવાળીના મોબાઇલ પર પણ આવ્યા. જેમાં એવું લખવામાં આવતુ કે આ લોન ચોર છે, ચીટર છે આ ઉપરાંત ઘણી નિમ્નકક્ષાની ભાષાનો પણ મેસેજમાં ઉપયોગ થતો હતો. સાઇબર સેલના પીઆઇ અનુસાર, લગભગ 2 મહિનાથી વડોદરામાં આવી ફરિયાદો આવી રહી છે. હાલમાં આવા 5 કિસ્સા આવ્યા છે જે બાદથી તપાસ ચાલી રહી છે.

Shah Jina