ગોધરા-દાહોદ હાઇવે પર મોટો અકસ્માત: પાર્ક કરેલી ખાનગી બસને અન્ય બસે ટક્કર મારતા 4નાં મોત
Accident on Godhra Dahod Highway : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતના ઘણા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો મોતને પણ ભેટતા હોય છે. મોટાભાગના અકસ્માતો કોઈની બેદરકારીના કારણે થતા હોય છે અને કેટલાક રોડ અકસ્માતમાં તો રોડ પર પણ લોહીના ખાબોચિયા ભરાઈ જતા હોય છે. હાલ એવા જ એક અકસ્માતની ઘટના ગોધરા દાહોદ હાઇવે પરથી સામે આવી છે, જેમાં રોડ પર ઉભેલો બસને પાછળથી પુરપાટ ઝડપે આવી રહેલી બસે ટક્કર મારતા જ મોટો અકસ્માત સર્જાયો હતો.
અમદાવાદથી ઇન્દોર જતી હતી બસ :
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર એક ખાનગી કંપનીની બસ અમદાવાદથી ઇન્દોર જઈ રહી હતી. આ દરમિયાન ગોધરા દાહોદ હાઇવે પર બસમાં ટેક્નિકલ ખામી સર્જાવવાના કારણે બસને હાઇવેની બાજુમાં પાર્ક કરીને રીપેરીંગ કરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન જ પાછળથી એક અન્ય ખાનગી બસ પુરપાટ ઝડપે આવી અને જે બસ રોડ પર પાર્ક કરીને રીપેરીંગ કામ ચાલી રહ્યું હતું તે બસને જબરદસ્ત ટક્કર મારતા જ ભીષણ અકસ્માત થયો.
પાછળથી આવી રહેલી બસે મારી ટક્કર :
રોડ પર ઉભેલી બસને ટક્કર મારતા જ પાછળથી આવી રહેલી બસના ચાલકે પણ કાબુ ગુમાવ્યો અને બસ રોડની બાજુમાં આવેલા ખાડામાં પલટી મારી ગઈ હતી. ત્યારે આ બસની જબરદસ્ત ટક્કરના કારણે ઉભી રહેલી બસમાં પાછળ બેઠેલા 4 મુસાફરોના કમકમાટી ભર્યા મોત પણ નિપજ્યા હતા. મુર્તકોમાં મોટાભાગે શ્રમિક પરિવાર હોવાનું હાલ સામે આવી રહ્યું છે. આ ચાર મૃતકોમાં 2 બાળકો સમેત એક મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 3 લોકોની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
4 લોકોના મોત :
આ અકસ્માતની અંદર કુલ 11 લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ તમામ ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેમાં એક બાળક સહીત 3 લોકોની હાલત ગંભીર હોવાના કારણે તેમને વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા છે. અકસ્માને લઈને પોલીસ અને પ્રાંત અધિકારીનો કાફલો પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો.