...
   

“લાલ સિંહ ચઢ્ઢા”ના બોયકોટ પર બોલ્યો આમિર ખાન- જો મેં કોઇનું દિલ દુખાવ્યુ હોય તો…

બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન ઘણા લાંબા સમય પછી ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ દ્વારા મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. રિલીઝ પહેલા જ એક વર્ગ આમિરની ફિલ્મનો વિરોધ કરી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર તેના બહિષ્કારની માંગ કરી રહ્યો છે. આ પછી બોયકોટ લાલ સિંહ ચઢ્ઢા સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યુ. હવે આમિર ખાને આ મુદ્દે પ્રતિક્રિયા આપી છે અને પોતાનાથી નારાજ લોકોની માફી માંગી છે. વાસ્તવમાં કેટલાક લોકો આમિરનો વિરોધ કરી રહ્યા છે

કારણ કે 2015માં તેણે પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતમાં વધી રહેલી અસહિષ્ણુતાને કારણે તેની પત્ની કિરણ રાવ પોતાના દેશમાં રહેવાથી ડરે છે. પોતાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ના વધી રહેલા વિરોધ વિશે વાત કરતા આમિરે દિલ્હીમાં એક મીડિયા ઈવેન્ટમાં કહ્યું, ‘હું ભગવાનને પ્રાર્થના કરું છું અને મને મારા દર્શકોમાં વિશ્વાસ છે. જો મેં કોઈ વાતથી કોઈનું દિલ દુભાવ્યું હોય તો હું તેના માટે દિલગીર છું, હું કોઈનું દિલ દુભાવવા માંગતો નથી. જે લોકો ફિલ્મ જોવા નથી માંગતા, હું તેનું સન્માન કરીશ, આનાથી વધુ હું શું કહું.

આ જ મુદ્દા પર આગળ વાત કરતાં તેણે કહ્યુ- હું ઈચ્છું છું કે વધુને વધુ લોકો ફિલ્મ જુએ, અમે ખૂબ જ મહેનત કરીને ફિલ્મ બનાવી છે. આ ફિલ્મમાં માત્ર હું જ નથી, જે ફિલ્મ બની છે તે સેંકડો લોકોની મહેનતથી બની છે. મને આશા છે કે લોકોને તે ગમશે.’ આ પહેલા પણ આમિરે લાલ સિંહ ચઢ્ઢાના વધી રહેલા વિરોધ પર કહ્યું હતું કે તેને આ કારણે ખૂબ જ ખરાબ લાગી રહ્યું છે. તેણે કહ્યું, ‘હા, મને ખરાબ લાગે છે. મને લાગે છે કે કેટલાક લોકો જે આ વાત કરી રહ્યા છે તેમના મનમાં લાગે છે કે મને મારો દેશ ભારત પસંદ નથી. તેઓ તેને ખોટું વિચારે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

તે દુર્ભાગ્યપૂર્ણ છે કે કેટલાક લોકો એવું અનુભવે છે. મહેરબાની કરીને ફિલ્મનો બહિષ્કાર કરશો નહીં. મહેરબાની કરીને ફિલ્મ જોવા આવો. તમને જણાવી દઈએ કે ‘લાલ સિંહ ચઢ્ઢા’ હોલિવૂડ ફિલ્મ ‘ફોરેસ્ટ ગમ્પ’ની રિમેક છે જેમાં ટોમ હેન્ક્સ લીડ રોલમાં હતા. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં આમિર ખાન સાથે કરીના કપૂર, મોના સિંહ અને સાઉથ એક્ટર નાગા ચૈતન્ય મુખ્ય ભૂમિકામાં છે.

Shah Jina