કર્ણાટકના બેંગલુરુમાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો. અહીં નેલમંગલા વિસ્તારમાં એક તેજ રફતાર ટ્રકે આઠ મહિનાની ગર્ભવતી મહિલાને કચડી નાખી. આ અકસ્માત દરમિયાન મહિલાએ રોડ પર જ એક બાળકીને જન્મ આપ્યો પરંતુ કમનસીબે નવજાત શિશુ અને માતા બંને થોડીવારમાં મૃત્યુ પામ્યા. આ ઘટના નેશનલ હાઈવે 4 પર યેદેહલ્લી પાસે બની હતી.
મૃતક મહિલાની ઓળખ 30 વર્ષિય સિનચાનાના રૂપમાં થઈ છે. તે તેના પતિ સાથે ટુ વ્હીલર પર જઈ રહી હતી. તેનો પતિ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ઘટનાના દિવસે પતિ-પત્ની શિવગંજના એક મંદિરમાં દર્શન કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જ્યારે તેઓ નેશનલ હાઈવે પર હતા ત્યારે એક સરકારી બસે અચાનક બ્રેક લગાવી દીધી, જેના કારણે મૃતકના પતિને પણ ટુ વ્હીલર રોકવાની ફરજ પડી.

આ દરમિયાન પાછળથી રેતી ભરેલી તેજ રફતાર ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી અને જેના કારણે બંને નીચે પડી ગયા. મહિલા રોડ પર પડી અને ટ્રકના પૈડા નીચે આવી ગઈ હતી. આ ખતરનાક દુર્ઘટના બાદ સિનચાનાએ રસ્તા પર જ એક બાળકીને જન્મ આપ્યો પણ ગંભીર ઇજાઓ અને સંજોગોને કારણે બાળકીનું જન્મ પછી તરત જ મૃત્યુ થયું.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. અને આ ઉપરાંતટ્રક પણ જપ્ત કરવામાં આવી. સિનચાનાના પતિએ જણાવ્યું કે તેની પત્નીની ડિલિવરીની તારીખ 17 ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી. તેઓ મંદિરે ગયા હતા જેથી બંને થોડો સમય એકલા વિતાવી શકે. પરંતુ આ અકસ્માતે તેમની દુનિયા બરબાદ કરી દીધી હતી.