મોરબી દુર્ઘટનામાં 9ની ધરપકડ કરી માન્યો સંતોષ, ઓરેવાનો માલિક જયસુખ પટેલ ગાયબ છે 

રવિવારના રોજ ગુજરાતના મોરબીમાંથી ખૂબ જ ભયાનક અને દુખદ સમાચાર સામે આવ્યા. મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ તૂટવાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા. ઘણા લોકોએ તેમના બાળકો આ દુર્ઘટનામાં ગુમાવ્યા, તો ઘણા લોકોએ પોતાનો આખો પરિવાર ગુમાવી દીધો. તો ઘણી બાળકોએ માતા-પિતા અથવા તો બંનેમાંથી એક ગુમાવ્યા. ત્યારે આ દુર્ઘટના મામલે પોલિસે 9 લોકોની ધરપકડ કરી છે. જો કે, પોલીસ તંત્ર દ્વારા માત્ર બ્રિજના મેનેજર, મેઈન્ટેનન્સ સંભાળનારા લોકો, ટિકિટ ક્લાર્ક અને સિક્યુરિટી ગાર્ડની જ ધરપકડ કરવામાં આવી છે.

જે બાદ સવાલ ઊભો થઇ રહ્યો છે કે જવાબદાર કંપનીના સંચાલકોનું શું. પોલીસે આ ઘટનામાં દિપક પારેખ, દિનેશ દવે, મનસુખ ટોપિયા, મહાદેવ સોલંકી, પ્રકાશ પરમાર, દેવાંગ પરમાર, અલ્પેશ ગોહિલ, દિલીપ ગોહિલ, મુકેશ ચૌહણ નામના લોકોની ધરપકડ કરી છે. મોરબીમાં મચ્છુ નદી પરનો 143 વર્ષ જૂનો પુલ કે જે કેબલ બ્રિજ અને ઝૂલતો પુલ તરીકે ઓળખાય છે તે તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઈ હતી.

આ અકસ્માતમાં અત્યાર સુધીમાં સરકારી ચોપડે 134 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ ઘટના અંગે કાર્યવાહી કરી પોલિસે બે કોન્ટ્રાક્ટર સહિત ઓરેવા કંપનીના 9 લોકોની ધરપકડ કરી છે. રવિવારે જ વહીવટીતંત્રની બેદરકારીના કારણે દુર્ઘટના અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ 9 આરોપીઓને પકડવા માટે ગુજરાત ATS, રાજ્ય ગુપ્તચર વિભાગ અને મોરબી પોલીસે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા.

દરોડા બાદ તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા. તમામ આરોપીઓની કલમ 304, કલમ 114, કલમ 308 હેઠળ અટકાયત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, પોલીસની ફરિયાદમાં ઓરેવા કંપનીના સંચાલકો ગાયબ જોવા મળ્યાં હતા. ઓરેવા કંપનીના એમડી જયસુખ પટેલ સમગ્ર ઘટના બાદથી ગાયબ છે. તેમજ પોલીસ ફરિયાદમાં પણ ક્યાંય તેમનો ઉલ્લેખ કરાયો નથી.

Shah Jina