આ 6 કારણને લઈને ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ વર્લ્ડકપની ફાઇનલ મેચ, છઠ્ઠું કારણ તો આખા દેશે કહ્યું કે “બહુ મોટી ભૂલ હતી…”
6 Reasons for India’s Defeat : ગઈકાલે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ એટલે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટના મહાસંગ્રામ વર્લ્ડકપની ફાઇનલ મેચ યોજાઈ હતી. આ મેચમાં ભારતને ઓસ્ટ્રેલિયા સામે 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. સાથે જ 5 વારની વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાની ટીમ છઠ્ઠી વાર પણ વિજેતા બની ગઈ. ત્યારે ભારતની હાર બાદ હવે સોશિયલ મીડિયાથી લઈને પાનના ગલ્લાઓ પર પણ સતત હાર માટેના કારણો બહાર આવી રહ્યા છે. એવામાં અમે પણ તમને ભારતીય ટીમની હાર માટેના મહત્વના 6 કારણો જણાવીશું.
1. ટોસ:
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ પણ મહત્વનો હતો, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે જે ટીમ ટોસ જીતશે તે ટીમનું પલડું ભારે રહેશે. એવામાં ટોસ પણ ભારત હારી ગયું અને ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત પણ ટોસ જીતને બેટિંગ કરવા જ માંગતું હતું, પરંતુ ટોસ હાર્યા બાદ માનસિક પ્રેશર પણ બદલાયું અને ઓસ્ટ્રેલિયાએ પીચને સમજીને પહેલા બોલિંગ કરવાનો જે નિર્ણય લીધો એ પણ સફળ થયો.
2. ટોપ ઓર્ડરનું નિરાશા જનક પર્ફોમન્સ :
ટોસ હાર્યા બાદ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમના ટોપ ઓર્ડરે પણ કઈ ખાસ કમાલ ના કર્યો, અમદાવાદની પીચ પર જે ખેલાડી પર સૌથી સારું રમવાની આશા હતી એ શુભમન ગિલ ફક્ત 4 રન બનાવીને જ પેવેલિયન ભેગો થઇ ગયો. જેના બાદ આવેલા કોહલી અને રોહિતે શરૂઆત સારી કરી પરંતુ એક ખરાબ શોટ રમીને કપ્તાન રોહિત શર્મા 47 રન બનાવીને આઉટ થઇ ગયો. જેના બાદ આવેલ શ્રેયસ અય્યર 4 રન બનાવીને આવૃત થઇ ગયો. શ્રેયસ બાદ આવેલા કે.એલ. રાહુલ અને કોહલીએ ઇનિંગને સાચવી પરંતુ ત્યારબાદ 54 રન બનાવીને વિરાટ કોહલી પણ બોલ્ડ થઇ ગયો.
3. મીડલ ઓર્ડર પણ ના કરી શક્યું કમાલ :
વિરાટ કોહલીના આઉટ થયા બાદ આવેલ રવિન્દ્ર જાડેજા પણ કઈ ખાસ કમાલ ના કરી શક્યો અને 22 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો, જેના બાદ આશાઓ સૂર્ય કુમાર યાદવ પાસે હતી, પરંતુ તેને પણ નિરાશ જ કર્યા, સૂર્ય કુમાર યાદવે 28 બોલમાં ફક્ત 18 રન બનાવ્યા, તો કે.એલ રાહુલ પણ ખુબ જ ધીમું રમ્યો અને તેને પણ 107 બોલમાં ફક્ત 66 રનની ઇનિંગ રમી.
4. ફિલ્ડિંગમાં માર્યા જબરદસ્ત લચ્છા :
જયારે ભારત બેટિંગ કરી રહ્યું હતું ત્યારે ઓસ્ટ્રેલિયાની ફિલ્ડિંગ ખુબ જ ધારદાર રહી હતી. ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ ફિલ્ડિંગમાં જ 30-40 રન બચાવી લીધા. પરંતુ જયારે ભારત ફિલ્ડિંગ કરી રહ્યું હતું ત્યારે ઘણી બધી મિસ ફિલ્ડ અને રન આઉટના ચાન્સ પણ છૂટતા જોવા મળ્યા હતા. શરૂઆતમાં જ વિરાટે વૉર્નરનો કેચ જવા દીધો, પરંતુ ત્યારબાદ વૉર્નર વિરાટના હાથે જ કેચ આઉટ થઇ ગયો.
5. બોલરોએ પણ કર્યા નિરાશ :
આગળની 10 મેચમાં ભારતીય બોલરો દ્વારા જે ધાર જોવા મળી હતી, તે ફાઇનલમાં જોવા ના મળી. સમગ્ર વર્લ્ડકપ દરમિયાન ભારતીય બોલરોથી વિરોધી ટિમોમાં ફફડાટ હતો, પરંતુ આ મેચમાં શરૂઆતમાં 3 વિકેટ ઝડપ્યા બાદ ચોથી વિકેટ પાડવામાં ભારતીય બોલરો નાકામ રહ્યા, સ્પિનરો પણ ના રન રોકી શક્યા ના વિકેટ લઇ શક્યા.
6. છઠ્ઠા બોલરની ખોટ પડી :
ભારતીય ટીમ ફાઇનલ મેચમાં 5 બોલરો સાથે જ ઉતરી હતી, જેના કારણે છઠ્ઠા બોલરની ખોટ સ્પષ્ટ દેખાતી હતી. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજા 10 ઓવર બાદ કોઈ ખાસ કમાલ ના કરી શક્યા, એવામાં ચાહકોને હાર્દિક પંડ્યા અથવા તો અશ્વિન જેવા છઠ્ઠા બોલરની ખોટ સ્પષ્ટ દેખાઈ રહી હતી.