IPL બાદ આ 5 ખેલાડીઓ મેળવી શકે છે ટીમ ઇન્ડિયામાં સ્થાન, 4 નંબરનો ખેલાડી તો IPLમાં બની ગયો છે સંકટ મોચન

હાલ આખા દેશ અને દુનિયામાં IPLનો માહોલ છવાયેલો છે, દરેક ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન બતાવવામાં લાગી ગઈ છે, ત્યારે આ વર્ષે IPLમાં ઘણા યુવા ક્રિકેટરોનો પણ દબદબો જોવા મળ્યો, જેમને પોતાના શાનદાર પર્ફોમન્સથી દર્શકોના દિલ જીતી લીધા છે. તો ભારતીય ટીમમાં જગ્યા બનાવી ચૂકેલા ઘણા ક્રિકેટરો પોતાની જગ્યા ખોઈ બેઠા બાદ IPlમાં પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન દ્વારા ટીમ ઇન્ડિયામાં જગ્યા પરત બનાવવા માટે ઝંખી રહ્યા છે, ત્યારે અમે તમને એવા 5 ખેલાડીઓ વિશે જણાવીશું જે ટીમ ઇન્ડિયામાં જગ્યા બનાવી શકે છે.

1. ટી. નટરાજન:
વર્ષ 2020માં ટી નટરાજનને પહેલીવાર ટીમ ઈન્ડિયામાં રમવાની તક મળી. પરંતુ નટરાજન માર્ચ 2021થી ટીમ ઈન્ડિયામાં જગ્યા બનાવી શક્યા નથી. નટરાજન 2022 IPL સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદ તરફથી રમી રહ્યો છે અને તેણે અત્યાર સુધી 7 મેચમાં 15 વિકેટ લીધી છે. આ બોલર પર્પલ કેપની યાદીમાં બીજા નંબર પર છે.

2. કુલદીપ યાદવ:
ભારતનો જાદુઈ સ્પિનર ​​કુલદીપ યાદવ ફરી એકવાર પોતાની જૂની લયમાં પાછો ફર્યો છે. પર્પલ કેપની યાદીમાં કુલદીપ ત્રીજા નંબર પર છે અને તેણે અત્યાર સુધી 7 મેચમાં 13 વિકેટ ઝડપી છે. ફરી એકવાર કુલદીપની સ્પિનમાં પહેલો જાદુ દેખાઈ રહ્યો છે અને તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે તૈયાર છે.

3. તિલક વર્મા:
મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા આ યુવા બેટ્સમેન રોહિતની ટીમમાં એકમાત્ર એવો ખેલાડી છે જે ચમક્યો છે. તિલકે પોતાની શાનદાર બેટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે. તિલકે 8 મેચમાં 272 રન બનાવ્યા છે અને તે ઓરેન્જ કેપની યાદીમાં ચોથા નંબર પર છે. પરંતુ તેમની ટીમ સતત 8 મેચ હારી ચુકી છે.

4. દિનેશ કાર્તિક:
દિનેશ કાર્તિક IPL 2022માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમ તરફથી રમી રહ્યો છે અને તેણે અત્યાર સુધીની બેંગ્લોરની તમામ મેચોમાં સારી બેટિંગ કરી છે. કાર્તિકે વર્ષ 2019માં ભારત માટે છેલ્લી મેચ રમી હતી. IPLમાં તે સંકટ મોચન તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છે. જો કે, હવે આખી દુનિયા અને ઘણા દિગ્ગજ ક્રિકેટરો માને છે કે કાર્તિક આ વર્ષે T20 વર્લ્ડ કપમાં ભારત તરફથી રમતા જોવા મળશે.

5. આયુષ બદોની:
લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી રમતા 22 વર્ષીય યુવા બેટ્સમેન આયુષ બદોનીએ આ વર્ષે બધાના દિલ જીતી લીધા છે. લખનઉ માટે આ બેટ્સમેને ફિનિશરની ભૂમિકા શ્રેષ્ઠ રીતે નિભાવી છે. આ ખેલાડી લખનૌના મેન્ટર ગૌતમ ગંભીરની શોધ છે. આયુષનું ભવિષ્ય ઘણું ઉજ્જવળ છે અને તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં રમતા જોવા મળી શકે છે.

Niraj Patel