બનાસકાંઠાના ગામમાં વરસાદના કારણે મકાન થયું ધરાશાયી, બે બાળકીઓ દટાઈ ગઈ, એક યુવતીનું મોત અને બીજી ગંભીર હાલતમાં

ગુજરાતમાં મેઘરાજાએ કહેર વરસાવ્યો છે, છેલ્લા ત્રણ ચાર દિવસથી ઠેર ઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ઘણા બધા જિલ્લાઓમાં પાણી ભરાઈ રહ્યા છે, ત્યારે વરસાદના કારણે ઘણી જગ્યાએ કેટલીક દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. આ દરમિયાન વરસાદના કારણે એક મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે જેમાં એક યુવતીનું મોત નીપજ્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠા જિલ્લામાં આવેલા વડગામ તાલુકાના તેનીવાડા ગામે એક મકાન ધરાશાયી થતા જ બે બાળકીઓ મકાનની નીચે દટાઈ ગઈ હતી, જેમાંથી એકનું મોત નીપજ્યું હતું, જયારે અન્ય એક યુવતીને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.

વડગામ પંથકમાં છેલ્લા થોડા સમયથી થઇ રહેલા ભારે વરસાદના કારણે આ મકાન ધરાશાયી થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મકાનની અંદર રહેતા 4 લોકોનો આબાદ બચાવ થયો હતો. વરસાદના કારણે બનાસકાંઠામાં જિલ્લામાં પણ ભારે નુકશાન થયું હોવાની ખબર સામે આવી રહી છે.

મકાન ધરાશાયી થતા જ આસપાસના લોકો બચાવ કામગીરી માટે આગળ આવી ગયા હતા અને મકાનની નીચે દટાયેલી બંને બાળકીઓને બહાર કાઢવાની કામગીરી પણ તાબડતોબ હાથ ધરવામાં આવી હતી, પરંતુ કમનસીબે એક બાળકીનું મકાન નીચે દટાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું અને બીજી બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે પણ ખસેડવામાં આવી હતી.

Niraj Patel