એબી સ્કૂલમાં 17 વર્ષની વિદ્યાર્થિનીનું હાર્ટ-અટેકને કારણે મોત, સ્કૂલમાં સીડી ચડતી સમયે ઢળી – વાંચો સમગ્ર અહેવાલ
Navsari 17 Year Girl Heart Attack : ગુજરાતમાંથી અવાર નવાર હાર્ટ એટેકથી મોતના કિસ્સા સામે આવે છે, કેટલીકવાર આવા કિસ્સામાં તો નાની ઉંમરના લોકો પણ સામેલ હોય છે. હજી પણ હાર્ટ-અટેકથી મોતનો સિલસિલો યથાવત્ છે. ત્યારે હાલમાં નવસારીની એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી 17 વર્ષીય વિદ્યાર્થિનીનું હાર્ટ-અટેકથી મોત થયુ હોવાનું સામે આવતા ચકચારી મચી ગઇ છે.
આ ઘટનાથી વિદ્યાર્થિનીનાં પરિવારજનો અને શાળામાં શોકનો માહોલ છવાયો છે. વિદ્યાર્થિની શાળામાં રિસેસ દરમિયાન સીડી ચડી રહી હતી અને અચાનક ઢળી પડી જે પછી તેને શાળાના શિક્ષકો દ્વારા હોસ્પિટલ લઈ જવાઇ અને ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરી. નવસારી શહેરને અડીને આવેલા પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12 સાયન્સ ઈંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરતી તનિષા ગાંધી રોજની જેમ સવારે શાળાએ આવી.
10 વાગ્યે રિસેસ પડ્યા બાદ તનિષા તેની બહેનપણીઓ સાથે સીડી ચડી રહી હતી ત્યારે જ અચાનક તેની તબિયત બગડી અને તે ઢળી પડી. આ બાબતની જાણ થયા બાદ શાળાના સ્ટાફ દ્વારા તરત જ તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી પણ તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. તનિષા ધોરણ 12 સાયન્સમાં ભણતી હતી અને તે ડોક્ટર બનવા માગતી હતી, પણ કુદરતને કંઈક બીજુ જ મંજૂર હતુ.
એવું સામે આવ્યુ છે કે તનિષાની માતાનું બે વર્ષ પહેલા કોરોનામાં મોત થયુ હતુ અને તે બાદ પરિવારમાં માત્ર પિતા અને પુત્રી જ હતા. તનિષાના પિતા શહેરની ખાનગી શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે છે. હવે દીકરીનું આવી રીતે આટલી નાની ઉંમરમાં હાર્ટ એટેકથી મોત થતા પિતા પર વજ્રઘાત થયો છે.