ગુજરાતમાંથી ઘણીવાર બાળકોને અથવા તો સગીર વયના છોકરા-છોકરીઓને લગતા કિસ્સા સામે આવે છે કે લોકો પણ ચોંકી જાય. ત્યારે હાલમાં એક એવો મામલો અમદાવાદમાંથી સામે આવ્યો, જેમાં 17 વર્ષીય સગીરા ઘરમાં છૂપાઈને વાત કરી રહી હતી અને આ દરમિયાન તેની માતાને જાણ થઈ તો તેણે દીકરીને પૂછ્યુ ફોનમાં કોની સાથે વાત કરી રહી છે.
જો કે, આ દરમિયાન સગીરાએ માતા સાથે ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યુ અને કહ્યું કે હું ગમે એની સાથે વાત કરું, તમારે મને પ્રશ્ન નહીં કરવાનો. એટલું જ નહિ સગીરા માતાને ખરુ ખોટુ સંભળાવીને ઘર છોડીને જતી રહી. જે બાદ પરિવારે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં સગીરાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને હાલ પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. ફરિયાદ અનુસાર, ચાંદખેડામાં દંપતિ તેમના બે સંતાનો સાથે રહે છે.
મહિલા ગૃહિણી છે જ્યારે પતિ વીજ કંપનીમાં નોકરી કરે છે. મહિલાની 17 વર્ષીય દીકરી કે જે ધોરણ-12માં અભ્યાસ કરે છે, તે ચારેક દિવસ પહેલા ઘરમાં છૂપાઈને ફોનમાં કોઇની સાથે વાતો કરી રહી હતી. ત્યારે તેની માતા તેને જોઇ ગઇ અને પૂછ્યુ કે, કોની સાથે વાત કરે છે. તો દીકરી ઉશ્કેરાઈ ગઈ અને માતા સાથે ઉદ્ધતાઇભર્યુ વર્તન કરવા લાગી.
તેણે ઉશ્કેરાઈને તેની માતાને કહ્યુ કે, હું પુખ્ત વયની થઈ ગઈ છું, તારે મને કંઈ બોલવાનું નહિ, જેની પણ સાથે વાત કરતી હોય તમારે શું ? જો કે, ફોન પર વાત કરતા સગીરા પોતાના ઘરમાંથી નીકળી ગઈ. જો કે, દીકરી સાંજ સુધી ઘરે પરત ન આવતા પરિવારે ચાંદખેડામાં તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી.