ખબર

નવસારી : જો તમે પણ વાપરો છો ગેસ ગીઝર તો સાવધાન ! બાથરૂમમાં ન્હાવા ગયેલી 16 વર્ષની તરુણીનું થયુ મોત

ગુજરાતમાં આજ કાલ ઠંડીનું પ્રમાણ થોડુ વધુ છે. ખૂબ જ ઠંડીમાં જો આપણે ઠંડા પાણીથી સ્નાન કરીએ તો આપણા તો સુસવાટા બોલાઇ જાય છે, તેથી ઘણાં લોકો પાણી ગરમ કરવા માટે ગેસ ગીઝર અથવા ઇલેક્ટ્રિક ગીઝરનો ઉપયોગ કરતા હોય છે. પરંતુ આવી સુવિધાઓ ઘણીવાર આપણને મોંઘી પડી શકે છે. અથવા તો જીવલેણ પણ બની શકે છે.હાલ આવો જ કિસ્સો નવસારીમાંથી સામે આવ્યો છે. જેમાં ચંદ્રવાસણ સુપા ગામમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થી એનીકાનું ગેસ ગીઝરના કારણે મોત થયું હતું.એવું કહેવાય છે કે, ઇલેક્ટ્રિક ગીઝરથી પહેલા બીલીમોરામાં પણ મેડીકલનો અભ્યાસ કરતી એક યુવતીનું મોત થયું હતું. આ યુવતીનું મોત ઇલેક્ટ્રિક ગીઝરમાંથી કરંટ લાગવાના લીધે થયું હતું.

ઘટનાની વિગત તપાસીએ તો, નવસારીના ચંદ્રવાસણ સુપા ગામમાં આવેલા નવા ફળિયામાં વિરલ પટેલ તેના પરિવાર સાથે રહે છે. તેમને એનીકા નામની દીકરી હતી, જે ભણવામાં ઘણી હોશિયાર હતી અને તેજસ્વી પણ હતી. તેને ધોરણ 10માં 93.06 ટકા આવ્યા હતા અને તે ડૉક્ટર બનવા માગતી હતી. એનીકા ઉત્તરાયણના દિવસે બાથરૂમમાં નાહવા માટે ગઈ હતી. તે બાથરૂમ માંથી લાંબા સમય સુધી બહાર ન આવતા આવતા પરિવારના સભ્યો ખુબ જ ચિંતિત થયા હતા. એનીકાને બહાર આવવા માટે બુમો પાડી પરંતુ તે બહાર ન આવી. તેથી પરિવારની ચિંતા વધી ગઈ અને અંતે પરિવારના સભ્યોએ બાથરૂમનો દરવાજો તોડીને જોયું તો એનીકા બેભાન થયેલી પડી હતી.

બાથરૂમમાં ગરમ પાણી કરવા જતાં અચાનક ગીઝરનો ગેસ લીકેજ થતા ન્હાવા ગયેલ 16 વર્ષની કિશોરી બેભાન થઈ ગઇ હતી. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા ત્યાં હાજર ડોક્ટરો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી. એનીકા ન્હાવા માટે ગઇ હતી અને તે લાંબા સમય સુધી પરત ફરી ન હતી, જેથી ઘરના સભ્યોએ મળી બાથરૂમનો દરવાજો તોડી નાખ્યો હતો. બાથરૂમમાં એનિકા બેભાન હતી અને ગરમ પાણીનો નળ અને ગીઝર બંને ચાલુ હતું. તેમની પુત્રી નાહવા ગઈ ત્યારે ગીઝરમાંથી ગેસ અચાનક લીકેજ થયો અને આ ઝેરી ગેસના કારણે એનિકા બેભાન થતાં નવસારીની પારસી હોસ્પિટલમાં લાવ્યા હતા, પણ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે, વર્ષ 2021માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. નડિયાદના અમદાવાદી બજારમાં રહેતી એક મહિલાને હીટરથી પાણી ગરમ કરતા પોતાનો જીવ ગુમવવાનો વારો આવ્યો છે. મહિલા સવારે હીટરથી પાણી ગરમ કરી રહી હતી તે દરમિયાન જ તેને કરંટ લાગતા દૂર ફંગોળાઈ હતી અને લોખંડના દરવાજા સાથે અથડાઈ હતી, જેથી કરંટ વધારે લાગતા તેનું સારવાર મળે તે પહેલા જ મૃ થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર નડિયાદના અમદાવાદી બજારમાં આવેલી સિંધી ચાલીની બાજુમાં રહેતી 30 વર્ષીય મહિલા કાજલબેન હીટર બાલ્ટીમાં મૂકી પાણી ગરમ થયું છે કે નહિ તે જોવા માટે બાલ્ટીમાં હાથ નાખ્યો, પરંતુ તેમનો હાથ હીટરને અડી જતા તેમને કરંટ લાગ્યો હતો.

કરંટ લાગતા જ તે દૂર ફંગોળાયા હતા અને લોખંડના દરવાજા સાથે અથડાયા, જ્યાં એ દરવાજામાંથી પણ તેમને કરંટ લાગ્યો. કાજલબેનના બૂમા-બૂમ કરતા પાડોશીઓ પણ આવી પહોંચ્યા હતા, તેમને લાકડીના ફટકા દ્વારા કરંટથી છોડાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ વ્યર્થ રહ્યો, પાડોશીઓએ જણાવ્યું કે કરંટ એટલો વધારે હતો કે લાકડી દ્વારા પણ તે અનુભવાઈ રહ્યો હતો, તરત 108ને ફોન કરવામાં આવ્યો, પરંતુ 108 સમયસર ના પહોંચતા પ્રાઇવેટ વાહન દ્વારા તેમને સિવિલ હોસ્પિટલ નડિયાદમાં લઇ જવામાં આવ્યા. કાજલબેનને બે બાળકો હતો, પોતે મજૂરી કરી અને ગુજરાન ચલાવતા હતા, આ ઘટનાના કારણે બે બાળકો પોતાની માતા વિહોણા થઇ ગયા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. મહારાષ્ટ્રના મુંબઈમાં એક 15 વર્ષીય છોકરીનું ગેસ ગિઝરને કારણે મોત થયું હતુ.મુંબઈના બોરીવલીમાં રહેતી 15 વર્ષીય ધ્રુવી ગોહિલ ગીઝર ઓન કરીને બાથરૂમમાં નાહવા માટે ગઈ અને બહાર તેની લાશ આવી. એક સવારે તે નાહવા માટે બાથરૂમમાં અંદર ગઈ પણ લાંબા સમય સુધી તે બહાર ન આવી તો તેના પરિજનોએ દરવાજો તોડીને જોયું તો તેઓ અંદરનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠ્યાં હતા. તેઓએ દરવાજો ખટખટાવ્યો પણ ઘણીવાર સુધી અંદરથી કોઈ જવાબ ન આવતા તેને દરવાજો તોડીને અંદર ગયા તો તેમને ધ્રુવી જમીન પર પડેલી મળી. અને ગરમ પાણીને કારણે તેનું શરીર દાઝી પણ ગયું હતું.

આ પછી ધ્રુવીને મુંબઈના ગોરાઈ સ્થિત એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યા તેની સારવાર ચાલી રહી હતી. અહીંના ડોકટરે જણાવ્યું કે ગિઝરથી નીકળતા કાર્બન મોનોકસાઇડ ગેસને કારણે તે બેહોશ થઇ હતી. ઓક્સિજનની કમીને કારણે તેના મગજને અસર થઇ. હોસ્પિટલમાં એ વેન્ટિલેટર સપોર્ટ પર હતી અને પછી પાંચ દિવસ બાદ તેનું નિધન થઇ ગયું. એ દિવસે ધ્રુવીનો જન્મદિવસ પણ હતો.

ડોક્ટર્સે જણાવ્યું, છોકરી આ દુર્ઘટનાનો શિકાર થઇ કારણ કે બાથરૂમમાં ઓક્સિજન લેવલ ઓછું થઇ ગયુ હતું. ડોક્ટર્સે જણાવ્યું કે ગિઝરથી કાર્બન મોનોકસાઇડ ગેસ નીકળી રહ્યો હતો જે એટલો વધી ગયો કે છોકરી ગૂંગળાઈને મૃત્યુ પામી.

ખરેખર માર્કેટમાં બે પ્રકારના ગીઝર મળે છે ઈલકટ્રીક ગીઝર અને ગેસ ગીઝર, લોકો ગેસ ગીઝર લગાવડાવે છે અને ક્યારેક દુર્ઘટનાનો શિખર બને છે, ત્યારે હવે ધ્રુવીનો પરિવાર ઈચ્છે છે કે આ પ્રકારની ઘટના કોઈની સાથે ન થાય અને માટે તેઓ ગેસ ગિઝરનો ઉપયોગ કરવાવાળાને અનુરોધ કરે છે એક પોતાના ઘરમાં ગેસ ગિઝરને બદલે ઇલેક્ટ્રિક ગીઝર વાપરો અથવા બીજી રીતે પાણી ગરમ કરીને વાપરો. અથવા જો સંભવ હોય તો ગેસ ગીઝર બાથરૂમની બહાર લગાવડાવો, કારણ કે ગેસ ગિઝરથી જીવ જવાનો ભય રહે છે.

ડોક્ટરનું કહેવું છે કે ગેસ ગિઝરથી ઉત્પન્ન થતી આગને કારણે ઓક્સિજન વધુ વપરાઈ જાય છે અને કાર્બન ડાયોકસાઇડની માત્રા વધી જાય છે અને કાર્બન મોનોકસાઇડ પણ બને છે. આ રંગહીન અને ગંધહીન હોવાની સાથે જ ઝેરી પણ હોય છે અને આ ગેસ જ મૃત્યુનું કારણ બને છે. એટલે વેન્ટિલેશન વિનાના બાથરૂમમાં ગેસ ગિઝરથી નીકળતા આ ગેસને કારણે શરીરમાં ઓક્સિજન ઓછો થઇ જાય છે. જેને કારણે શરીરના બીજા અંગો પર અસર થાય છે.