સતત 5 અઠવાડિયાથી થિયેટરમાં બોલીવુડની ફિલ્મની હારોહાર અડીખમ ચાલી રહેલી ગુજરાતી ફિલ્મ “ઓમ મંગલમ સિંગલમ” જોવાના 10 કારણો…

શું છે એવું ખાસ મલ્હાર અને આરોહીની ફિલ્મ “ઓમ મંગલમ સિંગલમ”માં કે રિલીઝ થયાને દોઢ મહિનો થવા છતાં પણ થિયેટરમાં ફિલ્મના શો હાઉસ ફૂલ જઈ રહ્યા છે ? જુઓ 10 કારણો

છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતી ફિલ્મોનો દોર બદલાયો છે અને આજે ઘણી ગુજરાતી ફિલ્મો એવી આવી રહી છે જે ઇતિહાસ પણ સર્જી રહી છે. એક તરફ જ્યાં બોલીવુડમાં બોયકોટ ટ્રેન્ડના કારણે ઘણી બધી મોટા બેનરની ફિલ્મો પણ બોક્સ ઓફિસ પર ધૂળ ચાટતી જોવા મળી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતી ફિલ્મો કમાણીના મામલામાં પણ ખુબ જ આગળ નીકળી રહી છે. ત્યારે હાલમાં દોઢ મહિના પહેલા આવેલી ફિલ્મ “ઓમ મંગલમ સિંગલમ” પણ દર્શકોનું દિલ જીતવામાં સફળ થઇ રહી છે.

આ ફિલ્મ 5 અઠવાડિયા પૂર્ણ કરીને હવે છઠ્ઠા અઠવાડિયામાં પ્રવેશી છે અને હજુ પણ દર્શકો આ ફિલ્મને નિહાળવા માટે થિયેટર સુધી જતા જોવા મળી રહ્યા છે. આ ફિલ્મની અંદર ગુજરાતી સુપરસ્ટાર મલ્હાર ઠાકર છે અને સાથે અભિનેત્રી આરોહી પટેલ છે. આ પહેલા આ જોડી ફિલ્મ “લવની ભવાઈ”માં પણ સાથે જોવા મળી હતી અને આ ફિલ્મ પણ બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી. ત્યારે આજે અમે તમને જણાવીશું “ઓમ મંગલમ સિંગલમ” ફિલ્મને જોવાના એવા 10 કારણો જે તમને થિયેટર સુધી આ ફિલ્મ જોવા માટે મજબુર કરશે.

1. ફિલ્મની વાર્તા:
આ ફિલ્મની વાર્તા આજના જમાનાને અનુરૂપ છે, જે ખાસ યુવાઓને ખુબ જ પસંદ આવી રહી છે. ફિલ્મની કહાની લખી છે નેહલ બક્ષી અને મિતાઈ શુક્લએ. બાળપણથી જ જેની સાથે મિત્રતા હોય એ વ્યક્તિ જો જીવનસાથી બને તો કોને ના ગમે ? આ ફિલ્મની વાર્તામાં પણ એવું જ કંઈક છે. પરંતુ ટર્નીંગ ત્યારે આવે છે જ્યારે બંનેને ખબર પડે છે કે તેઓ તો સિંગલ લાઈફ જીવ્યા જ નથી ?”

2. મલ્હાર અને આરોહીની કેમેસ્ટ્રી:
આ ફિલ્મમાં મલ્હાર અને આરોહીની કેમેસ્ટ્રી ફરી એકવાર દર્શકોના દિલ જીતવામાં સફળ રહી છે. આ પહેલા આ જોડીએ લવની ભવાઈમાં પણ એજ જાદુ ચલાવ્યો હતો, તેની પાછળનું કારણ એ છે કે મલ્હાર અને આરોહી રીલ લાઈફના જ નહિ પરંતુ રિયલ લાઈફના પણ મિત્રો છે અને તેના કારણે જ તેમના અભિનયમાં પણ એ સહજતા ચોક્કસ ઉડીને આંખે વળગે છે.

3. ફિલ્મના ગીતો:
“ઓમ મંગલમ સિંગલમ” ફિલ્મની અંદર 5 ગીતો છે અને આ તમામ ગીતો એકવાર સાંભળ્યા પછી તમારા કાનથી સીધા જ હૈયામાં ઉતરી જાય. આટલા જબરદસ્ત ગીતો આપવા પાછળ સૌથી મોટો હાથ નિરેન ભટ્ટની કલમનો છે. તેમણે ફિલ્મ “લવની ભવાઈ”માં પણ એવા સદાબહાર ગીતો આપ્યા હતા અને હવે “ઓમ મંગલમ સિંગલમ”માં પણ તેમના દ્વારા રચવામાં આવેલા ગીતોની કમાલ જોવા મળી રહી છે.

4. ફિલ્મનું સંગીત:
આ ફિલ્મ જેટલી શાનદાર છે એટલું જ આ ફિલ્મનું સંગીત પણ કર્ણપ્રિય છે. કારણ કે આ સંગીત આપ્યું છે બોલીવુડથી લઈને ગુજરાતી ફિલ્મોમાં પોતાના સંગીત માટે જાણીતી જોડી સચિન જિગરે. સચિન જીગરની ધૂન વાગતા જ ખોવાઈ જવાનું મન થાય. ફિલ્મના ગીતો ઉપરાંત કેટલાક સીનના બેકગ્રાઉન્ડમાં પણ ફિલ્મને અનુરૂપ સુમધુર સંગીત આકર્ષણનું કેન્દ્ર બને છે.

5. અભિનય:
આ ફિલ્મમાં મલ્હાર અને આરોહી ઉપરાંત પણ બીજા ઘણા બધા કલાકારોએ સુંદર કામગીરી કરી છે. જેમાં આરતી પટેલ, તત્સત મુન્શી, દર્શન ઝરીવાલા, ભામિની ઓઝા પણ ફિલ્મમાં તેમના પાત્રને સંપૂર્ણ ન્યાય આપતા જોવા મળે છે. મલ્હારના મિત્રો તરીકે કામ કરતા કલાકરોએ પણ ફિલ્મમાં પ્રાણ પૂર્યો છે.

6. ડિરેક્શન:
આ ફિલ્મ અક્ષર કોમ્પ્યુનિકેશનના બેનર હેઠળ બની છે. જેનું દિગ્દર્શન સંદીપ પટેલ દ્વારા કરવામાં આવ્યું છે, સંદીપ પટેલ ગુજરાતી સિનેમાના એક જાણીતા ડાયરેક્ટર છે. “લવની ભવાઈ” ફિલ્મ પણ તેમના જ ડિરેક્શનની કમાલ હતી. ત્યારે હવે “ઓમ મંગલમ સિંગલમ” પણ તેમને જ ડિરેક્ટ કરી છે અને આ ફિલ્મની એક એક વસ્તુ તેમને વાર્તા સાથે જોડી અને પડદા પર રજૂ કરી છે, જે જોવાનો પોતાની રીતે એક આગવો આનંદ છે.

7. પટકથા:
“ઓમ મંગલમ સિંગલમ” ફિલ્મની લેન્થ બીજી ફિલ્મો કરતા તમને થોડી વધારે લાંબી લાગશે. કારણ કે આજકાલ ઘણા નિર્માતાઓ ફિલ્મ 2થી લઈને 2.30 કલાક સુધીની રાખવાનું પસંદ કરતા હોય છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે ફિલ્મની લેન્થ કંટાળાજનક પણ બની જાય છે. ત્યારે ઓમ મંગલમ સિંગલમ 2 કલાક અને 52 મિનિટની ફિલ્મ છે એટલે લગભગ 3 કલાકની હોવા છતાં પણ એવી રીતે જકડી રાખે છે કે ક્યારે ફિલ્મ પૂર્ણ થઇ ગઈ એ તમને પણ નહિ સમજાય.

8. સંવાદો:
આ ફિલ્મમાં સંવાદો બહુ જ સુંદર લેવામાં આવ્યા છે. ઘણા ડાયલોગ એવા પણ છે જેના પર આજના ચાલતા ટ્રેન્ડમાં મીમ પણ બની શકે. ફિલ્મમાં જ્યાં કોમેડી લાવવાની છે ત્યાં પેટ પકડીને હસી શકાય એવા ડાયલોગ મુકવામાં આવ્યા છે અને જ્યાં ભાવુક ક્ષણ હોય ત્યાં વેદનાસભર સંવાદો મૂકીને આ ફિલ્મને એક ઊંચાઈ પર લઇ જવામાં આવી છે.

9. સિનેમેટોગ્રાફી:
છેલ્લા ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોની સિનેમેટોગ્રાફીમાં પણ જબરદસ્ત બદલાવ આવ્યો છે, અને આ બદલાવ ઓમ મંગલમ સિંગલમમાં પણ તમને અનુભવવા મળવાનો છે. આ ફિલ્મનું શૂટિંગ અમદાવાદ અને પોલોફોરેસ્ટમાં થયું છે. પોલો ફોરેસ્ટ ઇડર પાસે કુદરતના ખોળે વસેલી એક રમણીય જગ્યા છે અને આ જગ્યા પર ફિલ્મનું શૂટિંગ ફિલ્મમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે. ફિલ્મના દરેક સીન તમને ઉડીને આંખે વળગશે.

10. પાત્રોમાં દર્શકોને બાંધનારી ફિલ્મ:
આ ફિલ્મની મુખ્ય વાત તેની કહાની છે. વાણી અને સિદ્ધાર્થના પાત્રની આસપાસ આખી કહાની રચાય છે. બાળપણથી જ વાણી અને સિદ્ધાર્થ એક સાથે મોટા થાય છે અને પછી લગ્ન કરવાનું નક્કી કરે છે, પરંતુ આ દરમિયાન બંનેને સિંગલ લાઈફ ના જીવ્યાનો અહેસાસ થતા તેઓ તેમના સંબંધોમાં પોઝ આપે છે. જેના બાદ બંને પોતાની સિંગલ લાઈફ જીવવાનું પસંદ કરે છે. પરંતુ આ દરમિયાન એવા એવા ટ્વિસ્ટ આવે છે કે દર્શકો પણ તેમાં બંધાઈ જશે.

 

Niraj Patel