હોસ્પિટલની ઘોર બેદરકારી: ઓક્સિજન ખતમ થવા પર 10 કોરોના દર્દીઓના મોત, એક મહિલાએ ભાઇ, પિતા અને કાકાને એકસાથે ગુમાવ્યા

ઓક્સિજનની અછતને કારણે સોમવારે સવારે ભોપાલની પીપલ્સ મેડિકલ કોલેજમાં 10 કોરોના દર્દીઓના મોત નીપજ્યા હતા. આ તમામને ડી બ્લોકના કોવિડ વોર્ડમાં દાખલ કરાયા હતા.અચાનક ઓક્સિજન સપ્લાય પ્રેશર ઘટી ગયું હતું અને આઈસીયુમાં દાખલ દર્દીઓ ગભરાવા લાગ્યા હતા. આ જોઈને વોર્ડના નર્સિંગ સ્ટાફે ચીસો પાડી હતી. આ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

જાણકારી મુજબ પ્રદેશની રાજધાની ભોપાલના પીપલ્સ હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 10 દર્દીઓના મોત થયા છે. આ બાદ સમગ્ર હોસ્પિટલમાં હડકંપ મચ્યો છે. જો કે હોસ્પિટલ મેનેજમેન્ટે આ વાતથી સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે સવારે ઓક્સિજન સપ્લાય થોડીવાર માટે અટક્યો જરુર હતો પરંતુ તેના કારણે મોત નથી થયા.

બે દિવસ પહેલા શહડોલમાં પણ ઓક્સિજનની અછતને કારણે 12 કોવિડ દર્દીઓના મોત થયા હતા. આ ઘટના શહડોલ મેડિકલ કોલેજમાં થઈ હતી. આ 12 મોતની પુષ્ટિ શહડોલની ઉપર કલેક્ટર અર્પિત વર્માએ કરી હતી. જાણકારી મુજબ ઓક્સિજનનું પ્રેશર શનિવારે રાતે 12 વાગે અચાનક ઓછુ થઈ ગયુ. આ બાદ દર્દી તડપવા લાગ્યા હતા. પરિવારજનો માસ્ક દબાવીને તેમને રાહત આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. પરંતુ તે નિષ્ફળ રહ્યા. આ બાદ સવારે 6 વાગ્યા સુધીમાં સ્થિતિ ન સુધરી અને 12 દર્દીઓના મોત થયા. આ બાદ આઈસીયુમાં દાખલ આ દર્દીઓના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. આ પહેલા ભોપાલ, સાગર, જબલપુર, ઉજ્જૈનમાં ઓક્સિજનની અછતથી સંક્રમિત દર્દીઓના મોત થઈ ચૂક્યા છે.

બીજી તરફ પીપલ્સ હોસ્પિટલમાંથી દિવસભર એક પછી એક મૃતદેહો બહાર આવતા રહ્યા. અહીંથી 10 મૃતદેહ સુભાષનગર વિશ્રામ ઘાટ પહોંચ્યા હતા. તમને જણાવી દઈએ કે રાજ્યમાં છેલ્લા 13 દિવસમાં ઓક્સિજનના અભાવે 56 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.

Shah Jina