અ’વાદ: 3.50 લાખની નોકરી છોડી ફૂટપાથ પર ગરીબ બાળકોને ભણાવે છે આ યુવાન

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય વિરાટ શાહ ઇન્સ્ટુમેન્ટલ એન્ડ કન્ટ્રોલમાં એન્જિનિયરીંગ કરી વિદેશમાં નોકરી કરતાં હતાં

વિદેશમાં મહિને 3.50 લાખ રૂપિયાની નોકરી છોડી અમદાવાદી એન્જિનિયર વિરાટ શાહ સમાજમાં શિક્ષણની જ્યોત જલાવવા માટે ફૂટપાથ પર 200થી વધુ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યાં છે. તેમણે સમાજ સેવા માટે અને ગરીબ બાળકોને ભણાવવા માટે વિદેશની લાખો રૂપિયાની નોકરી છોડી અને ગરીબ બાળકોને ફૂટપાથ પર શિક્ષણ આપવાનું ચાલુ કર્યું હતું. તેમના પ્રયાસથી ગરીબ બાળકો આજે શાળાએ જતાં થયા છે.

પિતાની જેમ ગરીબોની મદદ કરવા છોડી નોકરી

અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય વિરાટ શાહ ઇન્સ્ટુમેન્ટલ એન્ડ કન્ટ્રોલમાં એન્જિનિયરીંગ કરીને વિદેશમાં મહિને સાડા ત્રણ લાખ રૂપિયાના પગારની નોકરી કરતાં હતાં. પરંતુ પિતાની જેમ ગરીબોની મદદ કરવી તેમને વારસામાં મળી હતી. સમાજ માટે કંઇક કરવા આશયથી તેમણે 2010માં વિદેશની નોકરી છોડી હતી અને અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ફૂટપાથ પર મજૂરોના દસ બાળકોને ભણાવવાનું ચાલું કર્યું હતું.

શહેરમાં 9 સેન્ટર

છ મહિના સુધી મજૂરોના બાળકોને ફૂટપાથ પર શિક્ષણ આપ્યા બાદ તેમને સરકારી શાળામાં પ્રવેશ અપાવનાર વિરાટ શાહ આજે શહેરમાં નવ જગ્યાએ સેન્ટર ચલાવે છે. ઇસનુપર, વટવા, નારોલ, ઘોડસર વિસ્તારમાં નવ જગ્યાએ ફૂટપાથ સ્કૂલ શરૂ કરવામાં આવી છે. જેમાં ગરીબ પરિવારના લગભગ 200 બાળકો શિક્ષણ લઇ રહ્યાં છે. બાળકોને શિક્ષણ ઉપરાંત અનેક પ્રવૃત્તિઓ પણ કરાવવામાં આવે છે, જેનાથી તેમનો વિકાસ થાય.

ગરીબ બાળકોને ભણાવવા માટે વિદેશની લાખો રૂપિયાની નોકરી છોડી અને ગરીબ બાળકોને ફૂટપાથ પર શિક્ષણ આપવાનું ચાલુ કર્યું

વર્ષ 2012થી ચલાવે છે ફૂટપાથ સ્કૂલ

‘બધા પૈસા પાછળ દોડશે તો સમાજ સેવા કોણ કરશે?’

ફૂટપાથ સ્કૂલ ચલાવનાર વિરાટ શાહે જણાવે છે કે, મેં નક્કી કર્યું હતું કે અમુક ઉંમર પછી હું નોકરી નહીં કરું અને સમાજ સેવા કરીશ. બધા પૈસા પાછળ દોડશે તો સમાજ માટે કામ કોણ કરશે. આજે પૈસા પાછળ આંઘળી દોડ મૂકનાર શિક્ષકોએ શિક્ષણનું વેપારીકરણ કરી દીધું છે. ફૂટપાથ પર ભણાવતા અમારા શિક્ષકોને નજીવી રકમ ચૂકવવામાં આવે છે, જ્યારે સરકારી શાળાના શિક્ષકોને મોટી રકમ ચૂકવાય છે. છતાં સરકારી શાળાનું પરિણામ સારું આવતું નથી.

મજૂરોના 10 બાળકોને ભણાવવાનું ચાલુ કર્યું હતું

વાલી બની બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો

વિરાટ શાહે મજૂરોના 10 બાળકોને છ મહિના સુધી ફૂટપાથ પર ભણાવ્યા પછી શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. શાળામાં એડમિશન લેવા માટે રહેઠાણના કોઇ પૂરાવા ન હોવાથી વિરાટ શાહે પોતે વાલી બની બાળકોને એડમિશન અપાવ્યો હતો. તેમણે ફૂટપાથ પર બેસીને બાળકોને પ્રાથમિક શિક્ષણ આપી શાળાએ જવા લાયક બનાવ્યા છે.

આજે 200 બાળકોને આપે છે શિક્ષણ

AMCએ ફાળવ્યો રૂમ

છેલ્લા પાંચ વર્ષથી ફૂટપાથ પર બાળકોને શિક્ષણ આપનાર વિરાટ શાહની ઉમદા કામગીરી બદલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મદદ માટે હાથ લંબાવ્યો છે. AMCએ વટવા વોર્ડમાં આવેલા ઉમ્મીદ સેન્ટરનો એક રૂમ ફૂટાપથ સ્કૂલ માટે ફાળવ્યો છે. હવે વિદ્યાર્થીઓને આ રૂમમાં શિક્ષણ અપાય છે.

શહેરમાં 9 સેન્ટર શરૂ કર્યા.  AMCએ વટવા વોર્ડમાં આવેલા ઉમ્મીદ સેન્ટરનો એક રૂમ ફૂટાપથ સ્કૂલ માટે ફાળવ્યો છે

News: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!