પોપ્યુલર યૂટયૂબરે લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન હાઇવે પર ક્રેશ કરી કરોડોની કાર, વ્યુઝના ચક્કરમાં ગાડી ઠોકાતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો

યૂટયૂબરે ઠોકી દીધી 1.7 કરોડની પોતાની સુપરકાર, ગાડી ચલાવતા સમયે કરી રહ્યો હતો લાઇવ સ્ટ્રીમિંગ- વીડિયો વાયરલ

અમેરિકામાં એક યુટ્યુબર તેની સુપરકાર ચલાવતી વખતે લાઈવસ્ટ્રીમ કરી રહ્યો હતો ત્યારે કાર કાબૂ બહાર ગઈ અને સીધી રોડની રેલિંગ સાથે અથડાઈ. આ અકસ્માતમાં કારમાં બેઠેલા અન્ય યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે યુટ્યુબરનો આબાદ બચાવ થયો હતો.

યુટ્યુબરની ઓળખ જેક ડોહર્ટી તરીકે થઇ છે, જે યુટ્યુબ અને કિકસ્ટ્રીમર પર તેના સાહસી સ્ટંટ માટે જાણીતો છે. આ દુર્ઘટના ફ્લોરિડામાં મિયામી હાઈવે પર ત્યારે થઈ જ્યારે ભારે વરસાદ પડી રહ્યો હતો. આ અકસ્માતનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થયો છે, જેના કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે.

વીડિયોમાં તમે જોશો કે જેક ડ્રાઇવિંગ દરમિયાન લાઇવ સ્ટ્રીમિંગ પણ કરી રહ્યો છે. તેણે કાર પરનો કાબૂ ગુમાવ્યો અને કાર સ્લીપી રસ્તા પર આગળ વધી રેલ સાથે અથડાઈ. વીડિયોમાં યુટ્યુબરને ચીસો પાડતા સાંભળી શકાય છે. જેકે $ 2,02,850.10 (એટલે ​​​​કે રૂ. 1.7 કરોડથી વધુ)માં એક મેકલારેન સુપરકાર ખરીદી હતી.

વીડિયોમાં જેક અકસ્માતનો ભોગ બન્યા બાદ તેની તૂટેલી કાર જોઈને પસ્તાવો કરતો જોઈ શકાય છે. તેણે પોતે અકસ્માત પછીના ઘણા ફૂટેજ શેર કર્યા હતા, જેમાંના એકમાં તે ક્ષતિગ્રસ્ત વાહનની અંદર ફસાયેલ હતો ત્યારે મદદ માટે ચીસો પાડતો જોઇ શકાય છે. અકસ્માત દરમિયાન પણ તેનું લાઈવ સ્ટ્રીમિંગ સતત ચાલુ હતું.

વીડિયોમાં તે મદદ માટે બૂમો પાડતો જોવા મળે છે. જ્યારે લોકો તેને બચાવવા આવે છે, ત્યારે તે એક વ્યક્તિને કેમેરો પકડવાનું કહે છે જેથી તે તેને રેકોર્ડ કરી શકે. આ વીડિયો વાયરલ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે.

Shah Jina