અરવલ્લી હોમગાર્ડની ભરતીમાં આવેલા યુવકનું મોત ! ફિઝિકલ ટેસ્ટ આપ્યા પછી અચાનક જ છાતીમાં થયો દુખાવો અને સારવાર મળે તે પહેલા જ…

ગુજરાતના અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામમાં હોમગાર્ડની ભરતી માટે પહોંચેલા યુવકનું અચાનક મોત થઇ જતા ચકચાર મચી જવા પામી છે. તેના પરિવાર પર પણ દુખોનો પહાડ તૂટી પડ્યો છે. મોડાસાના સાકરીયા નજીક આવેલ પોલિસ પરેડ મેદાનમાં હોમગાર્ડના ફિઝિકલ ટેસ્ટમાં ભીલકુવા ગામનો રહેવાસી રણજીતસિંહ પરમાર દોડી રહ્યો હતો અને અચાનક તેને છાતીમાં દુખાવો થતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો પરંતુ તે પહેલા જ તેણે દમ તોડી દીધો હતો. આ ઘટનાને લઇને પરિવાર સહિત સમગ્ર ગામમાં ભારે ગમગીની છવાઇ ગઇ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના યુવાનોમાં PSI અને લોકરક્ષક દળ સહિત હોમગાર્ડની પરીક્ષાઓ માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોલીસ ફોર્સમાં જોડાવવા યુવાનો દિવસ-રાત ઘણી મહેનત કરી રહ્યા છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં હોમગાર્ડની ભરતી પ્રક્રિયામાં મોટી સંખ્યામાં યુવાનો ઉમટી રહ્યા છે. પરેડ ગ્રાઉન્ડમાં ટીંટોઈ-સરડોઇ બીટના ઉમેદવારો માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રવિવારના રોજ સવારે હોમગાર્ડ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં ભીલકુવા ગામનો ઉત્સાહી યુવાન રણજીતસિંહ પરમાર દોડી રહ્યો હતો. ત્યારે અચાનક યુવકનું હૃદય બેસી જતા તાત્કાલિક મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

નોકરીની રેસમાં તે જંગ હારી જતા તેના પરિવાજનો સહિત સગા-સંબંધીઓ અને મિત્રો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને આ દરમિયાન ઘણા કરુણ દ્રશ્યો સર્જાયા હતા. આ યુવકે બાળપણમાં જ તેના માતા-પિતાને ગુમાવી દીધા હતા અને તેનો ઉછેર તેના કાકાએ કર્યો હતો. તેને બે સંતાન પણ છે, જેમાં એક 3 વર્ષ અને એક 7 વર્ષ એમ બે બાળકો છે.

Shah Jina