ક્રિકેટના સૌથી મોટા મંચ વર્લ્ડકપની સુરક્ષામાં જોવા મળી ભારે ચૂક, ગાર્ડને ચકમો આપીને ઓસ્ટ્રેલિયન યુવક પહોંચ્યો મેદાનમાં, વિરાટને લીધો લપેટમાં અને પછી…

ઓસ્ટ્રેલિયન યુવક પહોંચ્યો ગ્રાઉન્ડ પર, થયો ખુલાસો, પોલીસ બોચી પકડીને લઇ ગઈ

World Cup 2023 Modi Stadium Security Breach : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વર્લ્ડકપ 2023ની ફાઇનલ મેચ યોજાઈ હતી. જેમાં રંગારંગ કાર્યક્રમ ઉપરાંત ઘણા બધા આકર્ષણો જોવા મળ્યા હતા. આ મેચ જોવા માટે દેશ અને દુનિયાના દિગ્ગજો પણ આવી પહોંચ્યા હતા. ત્યારે આ દરમિયાન ચાલુ મેચમાં જ એક અજીબો ગરીબ ઘટના પણ બની હતી, જેના ઘણા વીડિયો અને તસવીરો પણ સામે આવ્યા છે. જયારે ભારત બેટિંગ કરી રહ્યું હતું ત્યારે જ એક વ્યક્તિ સુરક્ષાકર્મીઓને ચકમો આપીને મેદાનમાં આવી ગયો હતો.

સુરક્ષામાં ભારે ચૂક :

ગઈકાલે યોજાયેલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ દરમિયાન એક યુવક સ્ટેડિયમથી મેદાનમાં ગયો અને પીચ પર પહોંચી ગયો. મેચ દરમિયાન જ્યારે આ યુવક મેદાનમાં પહોંચ્યો ત્યારે ભારતીય બેટ્સમેનો બેટિંગ કરી રહ્યા હતા. યુવકે ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીને ગળે લગાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. યુવાન મેદાનમાં ઘુસી જતાં મેચ ખોરવાઈ ગઈ હતી. બાદમાં સુરક્ષા દળોએ યુવકને પકડીને અમદાવાદની ચાંદખેડા પોલીસને હવાલે કર્યો હતો.

કોહલીને કર્યો ગળે લગાવવાનો પ્રયાસ :

મીડિયા રિપોર્ટ અનુસાર યુવક પેલેસ્ટાઈનનું સમર્થન કરી રહ્યો હતો અને તેના ટી-શર્ટ પર સ્ટોપ બોમ્બિંગ પેલેસ્ટાઈન અને પેલેસ્ટાઈનને મુક્ત કરો જેવા સૂત્રો લખેલા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે પીચ પર પહોંચેલ યુવક ઓસ્ટ્રેલિયન નાગરિક છે. તેનું નામ વેઈન જોન્સન હોવાનું કહેવાય છે. યુવકે પેલેસ્ટાઈનના ધ્વજ સાથેનો માસ્ક પણ પહેર્યો હતો. સ્ટેડિયમમાં હાજર સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો. પ્રાથમિક માહિતીમાં એ પણ જાણવા મળ્યું કે તે વિરાટ કોહલીનો ફેન છે અને તેથી જ તેણે વિરાટની નજીક જઈને તેને ગળે લગાવવાનો પ્રયાસ કર્યો હતો.

સુરક્ષાકર્મીઓને પણ આપ્યો ચકમો :

પીચ સુધી પહોંચવા માટે થ્રી-ટાયર સિક્યુરિટી સિસ્ટમને તોડી રહેલા યુવકને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓની હાજરીમાં યુવક રેલિંગ પરથી કૂદીને સ્ટેડિયમ પહોંચ્યો હતો. સ્ટેડિયમની આસપાસ 6 હજાર પોલીસ કર્મચારીઓ અને બહાર સહિત લગભગ 10 હજાર પોલીસકર્મીઓ હાજર હતા. આટલું બધું હોવા છતાં યુવક સ્ટેડિયમમાં કૂદીને પીચ સુધી પહોંચ્યો હતો.

પેલેસ્ટાઈન સપોર્ટરનું ટી શર્ટ પહેર્યું :

પોલીસની પ્રાથમિક તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આ યુવક ભારતીય ટીમની બ્લુ ટી-શર્ટ પહેરીને સ્ટેડિયમની અંદર પહોંચ્યો હતો. પોલીસે તેના મોબાઈલ ફોનમાંથી તેનો વીડિયો પણ કબજે કર્યો છે. બ્લુ ટી-શર્ટ ઉતારી તેણે નીચે પેલેસ્ટાઈન તરફી ટી-શર્ટ પહેર્યું હતું. તેના હાથમાં પેલેસ્ટાઈનનો ધ્વજ પણ હતો. આ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર તે અગાઉ પણ આવું કરી ચૂક્યો છે. આ ઓસ્ટ્રેલિયાનો TikTok સ્ટાર છે. તેની સામે ઓસ્ટ્રેલિયામાં પણ ત્રણ કેસ છે.

Niraj Patel