ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી હનીટ્રેપના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં રૂપલલનાઓ દ્વારા લોકોને ઓનલાઇન ફસાવીને તેમની પાસેથી લાખો રૂપિયા પડાવી લેવામાં આવતા હોય છે. તો ઘણીવાર ઓળખીતી વ્યક્તિ દ્વારા પણ કોઈને હનીટ્રેપનો શિકાર બનાવવામાં આવે છે. ત્યારે હાલ એવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે જ્યાં એક એમ્બ્રોડરી કારીગરને હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા અને એમ્બ્રોડરીનું કારખાનું ધરાવતા વેપારીનું વર્ષ 2016માં ભાવનગરની અંદર એક હીરાનું કારખાનું હતું. આ દરમિયાન તેમનો સંપર્ક એક હર્ષા જોશી નામની મહિલા સાથે થયો હતો. હર્ષાનો પતિ બેકાર હોવાના કારણે તેને વેપારીને વાત કરી હતી અને જેના બાદ વેપારીએ હર્ષાના પતિને નોકરી પર પણ રાખ્યો હતો.
ત્યારે આ દરમિયાન વેપારીને હર્ષાના ઘરે અવાર નવાર અવર જવર રહેતી અને તેના કારણે જ બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો અને પછી સંબંધો પણ બંનેની સહમતીથી બંધાયા હતા. ત્યારે હર્ષા અને તેના પતિ પરેશ જોશીએ વેપારીને ફસાવવાનો પ્લાન બનાવી લીધો. એક દિવસ જયારે હર્ષાએ વેપારીને પોતાના ઘરે બોલાવ્યો ત્યારે અંગત પળો માણતો વીડિયો હર્ષાના પતિએ તેના મોબાઈલમાં કેદ કરી લીધો અને પછી બ્લેકમેઇલ કરવા લાગ્યો.
વેપારીને “તે મારી પત્ની સાથે ગંદુ કામ કર્યું છે.” એમ કહીને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી અને 5 લાખ પડાવી લીધા હતા અને વીડિયો ડીલીટ કર્યો નહોતો. થોડા સમય બાદ આ પરિવાર સુરત રહેવા આવી ગયો અને મહિલાએ વેપારીને ફોન કરીને જૂની વાતો ભૂલી જઈ નવેસરથી શરૂઆત કરવા કહ્યું અને બંનેએ પ્રેમભરી વાતો કરી એકાંત પણ માણ્યું. જેના થોડા જ દિવસ બાદ તેનો પતિ વેપારીને ત્યાં આવ્યો અને ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.
આ દંપતી એટલેથી ના અટકતા વેપારીને ધમકીઓ આપીને પૈસા પડાવતા ગયા. હર્ષાએ વેપારી પાસે પૈસા ઉપરાંત કપડાં, મોબાઈલ, ઘરવખરી અને દાગીનાના પૈસા પણ વસુલ કરવા લાગ્યા હતા. આ ઉપરાંત વેપારીએ બુક કરેલો ફ્લેટ પણ હર્ષાએ પડાવી લીધો હતો. આટલું કર્યા બાદ વેપારીના ઘરે જઈને માર પણ માર્યો હતો. જેનાથી કંટાળીને વેપારીએ હર્ષા અને તેના પતિ પરેશ જોશી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.