સુરતમાં યોજાયા અનોખા લગ્ન, પોતાની વિધવા પુત્રવવધુના સાસુ સસરાએ જ કરાવ્યા બીજા લગ્ન, કન્યાદાનનું મેળવ્યું પુણ્ય..
ગુજરાતની અંદર હાલ લગ્નની સીઝન પૂર બહારમાં ચાલી રહી છે અને ઘણા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે. ત્યારે આ દરમિયાન ઘણા એવા લગ્ન પણ સામે આવે છે, જે માનવતાની મિશાલ રજૂ કરે છે અને સમાજ માટે પણ પ્રેરણા દાયક બની જતા હોય છે. ત્યારે સુરત આવા લગ્નોમાં ખુબ જ અગ્રેસર રહેતું જોવા મળી રહ્યું છે.
સુરતમાંથી જ છેલ્લા થોડા સમયમાં એવા લગ્ન જોવામાં આવ્યા જેને સમાજને એક ઉમદા સંદેશ પણ પૂરો પાડ્યો. ત્યારે હાલ વધુ એક એવા જ લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં એક કન્યાનું કન્યાદાન તેના માતા પિતાએ નહિ પરંતુ સાસુ સસરાએ કર્યું. સાસુ સસરાએ પોતાની વિધવા પુત્રવધુના ફરીવાર લગ્ન કરાવીને એક નવ જીવન આપ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના મોટી વેડના નવા મોહલ્લામાં રહેતા દિનેશભાઇના દીકરા વિમલનું 15 મહિના પહેલા અકાળે અવસાન થયું હતું. જેના કારણે પરિવાર માથે પણ દુઃખોનો આભ તૂટી પડ્યો હતો. દીકરાના નિધન બાદ તેમની જુવાનજોધ પુત્રવધુ પણ વિધવા થઇ ગઈ હતી અને તેની સામે તો તેનું આખ્ખુ જીવન હતું, જેના બાદ દિનેશભાઇ અને તેમના પત્નીએ તેમની પુત્રવધુનું જીવન શણગારવાનું નક્કી કર્યું.
પુત્રવધુ ઉષાએ એક દીકરાને પણ જન્મ આપ્યો હતો અને તે બીજા લગ્ન કરવા માટે તૈયાર પણ નહોતી. દિનેશભાઇનો પરિવાર ઉષાને દીકરીની જેમ રાખતો હતો. જેના બાદ તેના કાકા સસરાએ તેને સમજાવી અને બીજા લગ્ન કરવા માટે રાજી કરી દીધી. જેના બાદ યોગ્ય મુરતિયો મળતા ઉષાના ફરીવાર લગ્ન કરાવ્યા.
આ લગ્નમાં સાસુ સસરાએ જ ઉષાનું કન્યાદાન કરીને સમાજને પણ એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું. આ લગ્નમાં આવેલા મહેમાનોની પણ વિદાય સમયે આંખો ભીની થઇ ગઈ હતી. દિનેશભાઇ અને તમેની પત્નીએ ઉષાને પોતાની દીકરીની જેમ વળાવી અને આજે તેની પાસે એક નહિ પણ બે બે પિયર થઇ ગયા છે.