Who is Sana Javed Shoaib Malik wife : ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા અને તેના પતિ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકના છૂટાછેડાની ખબરો વચ્ચે શોએબ માલિકે પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદ સાથે ત્રીજા લગ્ન કરી લીધા.
ત્યારે હવે લોકો પણ જાણવા માંગે છે કે આખરે સના જાવેદ છે કોણ ? સના જાવેદ પાકિસ્તાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. અભિનેત્રી સના જાવેદે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કર્યું છે. સનાએ 2012માં શેહર-એ-જાતથી ડેબ્યૂ કર્યું હતું. આ પછી અભિનેત્રીને વર્ષ 2013માં પ્યારે અફઝલથી લોકપ્રિયતા મળી.
કોણ છે સના જાવેદ ?
રોમેન્ટિક ડ્રામા ખાનીમાં મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ સના જાવેદને લક્સ સ્ટાઇલ એવોર્ડ માટે પણ નોમિનેટ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સના જાવેદ પહેલા પણ એક વખત લગ્ન કરી ચૂકી છે.
સના જાવેદે વર્ષ 2020માં ગાયક ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. પરંતુ સના-ઉમૈરનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં અને બંનેના છૂટાછેડા થઈ ગયા. ઉમૈર જસવાલથી છૂટાછેડા લીધા બાદ પાકિસ્તાની અભિનેત્રી સના જાવેદે તેના પૂર્વ પતિ સાથેની તમામ તસવીરો તેના સોશિયલ મીડિયા પરથી ડિલીટ કરી દીધી હતી.
શોએબની બની ત્રીજી પત્ની :
બીજી વખત લગ્ન કરનાર સના જાવેદ પાકિસ્તાની ક્રિકેટરની ત્રીજી પત્ની બની છે. સના જાવેદ પહેલા શોએબે ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સાથે 2010માં બીજી વખત લગ્ન કર્યા હતા,
જ્યારે પાકિસ્તાની ક્રિકેટરની પહેલી પત્ની આયેશા સિદ્દીકી હતી. જો કે સાનિયા સાથેના લગ્ન સમયે શોએબ મલિકે તેની પહેલી પત્ની આયેશા સાથે કોઈપણ પ્રકારના સંબંધો હોવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ મામલો આગળ વધ્યા બાદ શોએબે આયેશાને તલાક આપી દીધા હતા.
સોશિયલ મીડિયા દ્વારા આપી માહિતી :
શોએબ મલિક અને સના જાવેદે સોશિયલ મીડિયા દ્વારા તેમના લગ્નની માહિતી શેર કરી, જેણે મોટાભાગના લોકોને ચોંકાવી દીધા. બંનેએ લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરોને કેપ્શન આપવામાં આવ્યું હતું કે, “અને અમે તમને જોડીમાં બનાવ્યા.”
શોએબ મલિકે ફેમિલી ફંક્શનમાં સના જાવેદ સાથે લગ્ન કર્યા હતા. હવે દરેક જગ્યાએ સવાલ છે કે હવે સાનિયા મિર્ઝાનું શું થશે ? આ ઉપરાંત શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડા થઈ ગયા છે કે કેમ તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે.