વિસનગરમાં શાળાએથી ઘરે જતી 14 વર્ષિય સગીરા ખુલ્લી ગટરમાં ખાબકી અને મૃત્યુ પામી…2 કલાક બાદ બહાર તો નીકળી પણ મોત સામે હારી જંગ

ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ કેટલાક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે અને ઘણી જગ્યાએ તો ભુવા પડવાની કે ગટરમાં પડી જવાની ઘટના પણ સામે આવતી રહે છે. વરસાદને કારણે તંત્રએ કરેલ પ્રી મોનસૂન કામગીરીની પણ પોલ ખુલી રહી છે. ત્યારે હાલમાં મહેસાણાના વિસનગરમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.વિસનગરમાં શુકન હોટલ આગળ ધોરણ 8માં ભણતી 14 વર્ષની કિશોરી સાયકલ લઇને નીકળી રહી હતી ત્યારે ગટરની લાઈનમાં ફસાઈ હતી.

કિશોરીને કાઢવા માટે તંત્ર દ્વારા ભારે જહેમત કરવામાં આવી અને બે કલાકની ભારે જહેમત બાદ તે મળી આવી હતી. તેને બહાર કાઢવામાં આવી ત્યારે તેની હાલત ગંભીર હોવાને કારણે તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જેથી વિસનગર પાલિકાની ઘોર બેદરકારીથી સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે.ઘટનાની પ્રાપ્ત વિગત અનુસાર, જ્યારે સાંજના સમયે વરસાદ વરસી રહ્યો હતો

ત્યારે ધોરણ 8માં ભણતી 14 વર્ષની કિશોરી સાયકલ લઈને નીકળી અને વરસાદના પાણી પ્રવાહના કારણે બાળકીએ સાયકલ પરથી કાબુ ગુમાવ્યો અને તે ખુલ્લી ગટરમાં પડી. તે લગભગ બે કલાક સુધી પોતાનો જીવ બચાવવા બુમાબુમ કરતી રહી. સ્થાનિકોને પણ જાણ થતા મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને પછી ત્રણ જેસીબીની મદદથી અલગ-અલગ જગ્યાએ ખોદકામ શરૂ કરી સ્થાનિકો અને ફાયરની ટીમની ભારે જહેમત બાદ અંતે બાળકીને બહાર કાઢવામાં આવી હતી.

જો કે, બાળકી બેભાન અવસ્થામાં હતી અને તેની હાલત ગંભીર હોવાને કારણે સ્થાનિકોએ તાત્કાલિક 108ને ફોન કરીને જાણ કરી. જે બાદ તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી. ડોક્ટરોની ટીમે બાળકીને બચાવવા ઘણી મહેનત કરી પરંતુ અંતે બાળકી મોતને ભેટી. આ ઘટનાને પગલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ કિશોરીને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. બાળકીનું નામ જિયા નાયી હોવાનું સામે આવ્યુ છે. તે સ્કૂલેથી ઘરે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.

Shah Jina