કોહલીનો ગજબ શોટ: વિરાટે એવો શોટ માર્યો કે જોતા જ રહી ગયા ગાંગુલી અને જય શાહ, તાળીઓ પાળીને કર્યું અભિવાદન, જુઓ વીડિયો

બુધવારે IPL 2022 સિઝનની બીજી પ્લે ઓફ મેચ રમાઈ હતી. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે લખનઉ સુપર જાયન્ટ્સને હરાવ્યું હતું. કોલકાતાના ઈડન ગાર્ડનમાં રમાયેલી આ મેચ વરસાદના કારણે મોડી શરૂ થઈ હતી. આ મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પહેલી જ ઓવરમાં જ આઉટ થઈ ગયો હતો. પરંતુ વિરાટ કોહલી શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યો હતો.

જોકે આ મેચમાં કોહલી મોટો સ્કોર બનાવી શક્યો નહોતો. પરંતુ બેટિંગ દરમિયાન તે ખૂબ જ મૂડમાં જોવા મળ્યો હતો. વિરાટે પોતાની ઇનિંગ દરમિયાન એવો શોટ રમ્યો કે સ્ટેન્ડમાં બેઠેલા BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહ તાળીઓ વગાડવા માટે મજબુર થઇ ગયા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બીજી ઓવરમાં વિરાટ કોહલીએ ચમીરાના બોલ પર ફ્લિક શોટ રમ્યો હતો. ચમીરાનો આ બોલ મિડલ લેગ પર હતો. કોહલીએ આ બોલ પર ફ્લિક શોટ રમ્યો અને બોલને બાઉન્ડ્રીની પાર મોકલી દીધો. આ શોટ એટલો શાનદાર હતો કે કોમેન્ટેટર્સ પણ તેમના આનંદને રોકી શક્યા નહીં.

આ દરમિયાન BCCI પ્રમુખ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહની પ્રતિક્રિયા જોવા મળી હતી. કોહલીના આ શોટ પર બંને તાળીઓ પાડી રહ્યા હતા. આ વાક્યની થોડી જ મિનિટોમાં બંનેની આ પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. જો કે આ મેચમાં વિરાટ કોહલી માત્ર 25 રન જ બનાવી શક્યો હતો. તેણે 24 બોલની ઈનિંગમાં 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટે 207 રન બનાવ્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રજત પાટીદારે 54 બોલમાં 112 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 12 ફોર અને 7 સિક્સર ફટકારી હતી. આ સિવાય દિનેશ કાર્તિકે 23 બોલમાં 37 રન બનાવ્યા હતા. જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સ બેટિંગ કરવા ઉતરી અને 20 ઓવરમાં 6 વિકેટે 193 રન જ બનાવી શકી. આ રીતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મેચ 14 રને જીતી લીધી હતી. લખનઉ સુપર જોઈન્ટ્સ માટે કેપ્ટન કેએલ રાહુલે 58 બોલમાં 79 રન બનાવ્યા.

Niraj Patel