શા માટે કોહલીએ કેપ્ટનશીપ છોડી, આ રહ્યા કારણો
વિરાટ કોહલીએ ટી-20ની કેપ્ટનશિપ છોડવાની જાહેરાત સાથે જ ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાંથી ઘણા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એક અહેવાલ અનુસાર, હવે વિરાટ કોહલી પાસે ભારતીય ટીમના તમામ ખેલાડીઓનો સપોર્ટ નથી. વિરાટ કોહલીના ઘણા નિર્ણયો પર સવાલ ઉભા થઈ રહ્યા છે. મોટા સમાચાર એ છે કે વિરાટ કોહલીએ પસંદગીકારો સમક્ષ પ્રસ્તાવ મૂક્યો હતો કે તેણે રોહિત શર્માને વાઈસ-કેપ્ટનશીપમાંથી હટાવી દેવો જોઈએ. વિરાટ કોહલી સામે જુનિયર ખેલાડીઓને અધવચ્ચે છોડી દેવાની પણ ચર્ચા છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યાં અનુસાર, વિરાટ કોહલી પસંદગી સમિતિ સમક્ષ એક પ્રસ્તાવ લઈને ગયો હતો કે રોહિતને વન ડે ટીમના વાઈસ-કેપ્ટનશીપ પદેથી હટાવી દેવો જોઈએ કારણ કે તે 34 વર્ષનો છે. તે ઈચ્છતો હતો કે વનડે ટીમનો વાઈસ-કેપ્ટન કેએલ રાહુલને બનાવવામાં આવે, જ્યારે ટી-20 ફોર્મેટમાં આ જવાબદારી પંતને સોપવામાં આવે. સૂત્રોએ જણાવ્યું હતું કે, બોર્ડને તેમની આ વાત પસંદ આવી ન હતી, અને તેમને લાગ્યું કે કોહલી તેનો વાસ્તવિક ઉત્તરાધિકારી નથી ઈચ્છતો.
વિરાટ કોહલીએ જુનિયર ખેલાડીઓને અધવચ્ચે છોડી દે છે! : જ્યાં સુધી જુનિયર ખેલાડીઓની વાત છે, તો કોહલી સામે સૌથી મોટી ફરિયાદ એ છે કે તે તેમને મુશ્કેલ સમયમાં અધવચ્ચે છોડી દે છે. ઋષભ પંત જ્યારે ફોર્મમાં ન હતો ત્યારે પણ આવું જ થયું હતું.ભારતીય પીચો પર સારૂ પ્રદર્શન કરી રહેલા સિનિયર બોલર ઉમેશ યાદવને પણ ક્યારેય આ જવાબ ન મળ્યો કે તેને જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઘાયલ ન થાય ત્યાં સુધી તેના નામ પર શા માટે વિચાર કરવામાં ન આવ્યો.
વિરાટ કોહલી સાથે કોમ્યૂનિકેશનની સમસ્યા : એક ભૂતપૂર્વ ખેલાડીએ અનૌપચારિક વાતચીત દરમિયાન કહ્યું કે, વિરાટ સાથે સમસ્યા વાતચીતની છે. મહેન્દ્ર સિંહ ધોનીના કિસ્સામાં તેમનો રૂમ ચોવીસ કલાક ખુલ્લો રહેતો હતો અને ખેલાડી અંદર જઈ શકતો હતો, વિડીયો ગેમ્સ રમી શકતો હતો, સાથે ભોજન લઈ શકતો હતો અને જરૂર પડે તો ક્રિકેટ વિશે વાત કરી શકતો હતો. તેમણે કહ્યું કે, મેદાનની બહાર કોહલીનો સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ છે.
ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું, ‘રોહિતમાં ધોનીની ઝલક છે પરંતુ અલગ રીતે. તે જુનિયર ખેલાડીઓને જમવા માટે સાથે લઈ જાય છે, જ્યારે તેઓ હતાશ જોવા મળે છે ત્યારે તેમને હુંફ આપે છે અને ખેલાડીઓની માનસિક સ્થિતિથી વાકેફ રહે છે.