વિરાટ કોહલીએ ગુજરાતી અંદાજમાં અક્ષર પટેલના કર્યા વખાણ, કહ્યું… “ઓ બાપુ તારી બોલિંગ તો…” જુઓ શાનદાર વીડિયો

વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે યોજાનારી ત્રીજી ટેસ્ટ માત્ર 2 દિવસમાં જ પૂર્ણ થઇ ગઈ અને ભારતની ટીમે શાનદાર વિજય મેળવ્યો. માત્ર બે દિવસમાં જ ઇંગ્લેન્ડની ટીમને ભારતીય ટીમના બોલરોએ બે દિવસમાં બે વાર ઓલઆઉટ કરી નાખી હતી.

ભારતની જીતમાં શાનદાર પ્રદર્શન રહ્યું આપણા ગુજરાતના નડિયાદના વતની એવા સ્પિનર બોલર અક્ષર પટેલનું તેને બંને ઇનિંગ્સમાં થઈને કુલ 11 વિકેટ લીધી. અક્ષરની બોલિંગ સામે ઇંગ્લેન્ડના ક્રિકેટરો પાણી ભરતા થઇ ગયા.

સોશિયલ મીડિયામાં અક્ષરની બોલિંગની ખુબ જ પ્રસંશા થઇ રહી છે. ત્યારે આ દરમિયાન ભારતીય ટીમના કપ્તાન વિરાટ કોહલીએ પણ ગુજરાતી અંદાજમાં અક્ષર પટેલની પ્રસંશા કરી છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મેચ પૂર્ણ થયા બાદ હાર્દિક પંડ્યા સ્પિનર અક્ષર પટેલનું ઇન્ટરવ્યૂ લઇ રહ્યો હતો.ત્યારે જ ઇન્ટરવ્યૂની વચ્ચે કપ્તાન વિરાટ કોહલી આવે છે અને માઈક લઈને ગુજરાતીમાં જ અક્ષરની પ્રસંશા કરવા લાગે છે.

વિરાટ માઈક લઈને કહેતો નજર આવી રહ્યો છે કે, “ઓ બાપુ, તારી બોલિંગ તો કમાલ છે.” કોહલીનો આ ગુજરાતી અંદાજ સાંભળીને હાર્દિક અને અક્ષર બંને હેરાન રહી જાય છે અને ખડખડાટ હસવા લાગે છે. વિરાટ પણ ગુજરાતીમાં વાત કરતા ખુબ જ ખુશ નજર આવે છે.

બીસીસીઆઈ દ્વારા કપ્તાન કોહલીના આ અંદાજનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા ઉપર પણ આ વીડિયોને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. કોહલીના ગુજરાતીમાં મજાક કર્યા બાદ હાર્દિકે પણ મજા લીધી અને કહ્યું કે હમણાં જ કોહલીએ નવું નવું ગુજરાતી શીખ્યું છે.

Niraj Patel