20 જૂનનો દિવસ વિરાટ કોહલીના જીવન માટે છે ખુબ જ ખાસ દિવસ, પોતાના લેપટોપના ફોલ્ડરમાં રહેલી તસવીરો શેર કરીને વ્યક્ત કરી ખુશી, જુઓ વીડિયો

વિરાટ કોહલી માટે 20 જૂનનો દિવસ ખૂબ જ ખાસ છે. કોહલીએ આ દિવસે ટેસ્ટમાં પદાર્પણ કર્યું હતું. વિરાટ કોહલીએ વર્ષ 2011માં વેસ્ટ ઈન્ડિઝ સામે સબીના પાર્ક ખાતે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. આ ખાસ અવસર પર કોહલીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે લેપટોપ ઓન કરીને ખાસ તસવીરો શેર કરી છે.

ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં 20 જૂનનું પણ એક અલગ મહત્વ છે. આ તારીખે ભારતીય ક્રિકેટના ત્રણ મહાન બેટ્સમેનોએ તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી, જેમાં સૌરવ ગાંગુલી, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલીના નામ સામલે છે. ભૂતપૂર્વ દિગ્ગજ ગાંગુલી અને દ્રવિડે 20 જૂન 1996ના રોજ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામેની બીજી મેચ સાથે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.

વિરાટ કોહલીને વર્ષ 2011માં પ્રથમ વખત સફેદ જર્સીમાં રમવાનો મોકો મળ્યો હતો. આ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં કોહલી 4 અને બીજી ઇનિંગમાં માત્ર 15 રન જ બનાવી શક્યો હતો. કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં 11 વર્ષ પૂરા થવા પર એક ખાસ વીડિયો શેર કર્યો છે, જેમાં તે લેપટોપ ચાલુ કરતો જોવા મળી રહ્યો છે અને એક ફોલ્ડરમાં તેણે ટેસ્ટ ક્રિકેટની પોતાની તસવીરો રાખી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે.

ભારત માટે 100 ટેસ્ટ મેચ રમનારા ખેલાડીઓની યાદીમાં વિરાટ કોહલીનો સમાવેશ થાય છે, તેણે ભારત માટે અત્યાર સુધીમાં 101 ટેસ્ટ મેચ રમી છે. કોહલીએ આ ટેસ્ટ મેચોમાં 7 બેવડી સદી, 27 સદી અને 28 અડધી સદીની મદદથી 8043 રન બનાવ્યા છે. વિરાટ કોહલી એવો કેપ્ટન પણ છે જેણે એક કેપ્ટન તરીકે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ જીતી છે.

કોહલી એવો ખેલાડી છે જે 2017થી 2021 સુધી ICC ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર રહ્યો હતો અને ટીમ ઈન્ડિયાને ટેસ્ટ રેન્કિંગમાં ટોપ પર લઈ જઈને ટેસ્ટ મેચ પણ જીત્યો હતો. કોહલીની કપ્તાનીમાં ભારતીય ટીમ પ્રથમ ICC ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી હતી. એટલું જ નહીં, કોહલીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ શ્રેણી જીતવાનું કામ પણ કર્યું.

Niraj Patel