20 જુલાઈની રાત્રે ઉત્તરપ્રદેશના ગોંડાની મનકાપુર પોલીસને સમાચાર મળ્યા કે ભરઉ ભટ્ટા નામના ગામમાં 78 વર્ષના વૃદ્ધની હત્યા કરવામાં આવી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું કે રૂમમાં પટેશ્વરી ચૌહાણની લોહીથી લથપથ હાલતમાં લાશ પડી હતી. 78 વર્ષીય પટેશ્વરી નિવૃત્ત રેલવે કર્મચારી હતા. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી અને સીસીટીવી તેમજ મોબાઈલ લોકેશનના આધારે ત્રણ આરોપીઓમાંથી અખિલેશ અને સલમાનને કસ્ટડીમાં લેવામાં આવ્યા.
આકરી પૂછપરછ બાદ બંને આરોપીઓએ પટેશ્વરીની હત્યા કર્યાની કબૂલાત કરી. જ્યારે હત્યા પાછળના કાવતરાનો ખુલાસો થયો ત્યારે પોલીસ અધિકારીઓ અને પટેશ્વરીના પરિજનો ચોંકી ઉઠ્યા. તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધાની હત્યાનો મુખ્ય સૂત્રધાર બીજુ કોઇ નહિ પણ તેની પૌત્રી રિંકા ચૌહાણ છે. પોલીસે સર્વેલન્સની મદદથી તપાસ આગળ વધારી અને રિંકાને કસ્ટડીમાં લેવામાં આવી. આરોપી રિંકાએ પોલીસને જણાવ્યું કે તેના દાદા પટેશ્વરી તેને મિલકતમાંથી કાઢી મૂકી આખી મિલકત તેના અન્ય પૌત્રને ટ્રાન્સફર કરી રહ્યા હતા.
રિંકાને આ વાતની ચિંતા હતી એટલે તેણે મિત્ર દિનેશ સાથે મળીને દાદાને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. પૂછપરછ દરમિયાન રિંકાએ જણાવ્યું કે આ ઘટનામાં તેણે સલમાન અને અખિલેશ નામના બે મિત્રોને સામેલ કર્યા હતા. આ બંનેને અયોધ્યામાં જમીન અપાવવાની લાલચ આપવામાં આવી હતી. આ બે આરોપીઓમાં પટેશ્વરીની હત્યા માટે ત્રીજા સહયોગી દિનેશનો પણ સમાવેશ થાય છે. રિંકાએ હત્યાનો દિવસ 19મી જુલાઈ નક્કી કર્યો હતો અને સંપૂર્ણ પ્લાનિંગ કર્યા બાદ તે પોતે 18મીએ ફ્લાઈટ દ્વારા પુણે જવા નીકળી જેથી કોઈને શંકા ન જાય.
પ્લાન મુજબ 19મી જુલાઈના રોજ રાત્રે 11 વાગ્યાના સુમારે દિનેશ અખિલેશ અને સલમાન સાથે પટેશ્વરીના ઘરે પહોંચ્યા અને બંને આરોપીઓએ પહેલા પટેશ્વરીનું ગળું દબાવીને હત્યા કરી અને પછી નજીકમાં પડેલી કુહાડીથી ગળા તેમજ પીઠ પર અનેક ઘા મારીને હત્યા કરી દીધી. પોલીસે સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરી રિંકા અને બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે ફરાર આરોપી દિનેશને શોધવામાં આવી રહ્યો છે.