ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી ચેરમેન વિપુલ ચૌધરીની અડધી રાત્રે ફિલ્મી સ્ટાઈલમાં ધરપકડ, CCTV ફૂટેજ આવ્યા સામે, જુઓ

આવનારા થોડા જ સમયમાં હવે ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આ દરમિયાન ગુજરાતના રાજકારણમાં પણ ગરમાવો જોવા મળી રહ્યો છે. ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી અને મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની તેમના ગાંધીનગર સ્થિત ફાર્મહાઉસ ઉપરથી મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી હતી. જેના બાદ હવે આ મામલો ખુબ જ ગરમાયો છે અને વિપુલ ચૌધરીની ધરપકડના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે.

સામે આવેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વિપુલ ચૌધરી અને તેમના સીએ શૈલેષ પરીખની એસીબીની ટીમ ફિલ્મી અંદાજમાં તેમના ગાંધીનગર સ્થિત ફાર્મ હાઉસ ઉપરથી ધરપકડ કરતા જોઈ શકાય છે. એસીબીની ટીમ ખાનગી ગાડી અને સાદા ડ્રેસમાં તેમના ફાર્મ હાઉસની બહાર આવી પહોંચી હતી અને બંનેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ કાર્યવાહી તેમના ઉપર દૂધ સાગર ડેરીમાં થયેલા કૌભાંડને લઈને કરવામાં આવી હતી.

વિપુલ ચૌધરી જયારે વર્ષ 2005થી 2016 સુધી મહેસાણાની દૂધ સાગર ડેરીના ચેરમેન હતા ત્યારે તેમના ઉપર કૌભાંડને લઈને ફરિયાદ કરવામાં આવી હતી, જેમાં આ મામલો 300 કરોડના કૌભાંડનો જણાવવામાં આવી રહ્યું હતું, પરંતુ એસીબી દ્વારા આ મામલો 800 કરોડ કે તેથી વધુના કૌભાંડનો હોય તેવું જણાવાઈ રહ્યું છે.

ત્યારે હવે વિપુલ ચૌધરીની ધરપકડને લઈને અર્બુદા સેનામાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગતરોજ મહેસાણા ખાતે અર્બુદા સેનાની યોજાયેલી બેઠક બાદ મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરોએ કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો. આજે વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરતા સમયે પણ મોટી સંખ્યામાં અર્બુદા સેનાના કાર્યકરો ઉમટી પડ્યા હતા, જેના કારણે વિપુલ ચૌધરીને પાછળના દરવાજેથી કોર્ટમાં લઇ જવાની ફરજ પડી હતી.

Niraj Patel